- અધિકારીએ સેનેટરી-વોટરવર્કસ વિભાગના કર્મીઓને તતડાવી નાંખ્યા
- કચરા નિકાલની કામગીરી સઘન બનાવવા આદેશ આપ્યા
- અચાનક શહેરની મુલાકાત લેતા કર્મીઓમાં દોડધામ
સોજીત્રા નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર તરીકે ફરજ બજાવતા ચાર્મીબેન રાવલે અચાનક શહેરના જુદા-જુદા વિસ્તારની મુલાકાત લઇને પાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામા આવતી સફાઇની મળેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. જોકે અધિકારીને અનેક વિસ્તારોમાં સફાઇના સ્થાને ગંદકી જોવા મળતા કર્મચારીઓને ટકોર કરી શહેર સ્વચ્છ રાખવા આદેશ કર્યો હતો. અધિકારીની ઓચિૅંતી મુલાકાતને લઇને શહેરીજનોમાં પણ કુતુહલ સર્જાયુ હતું. સોજીત્રા નગરપાલિકામા વહીવટદાર તરીકે ફરજ સંભાળતા મામલતદાર ચાર્મીબેન રાવલ ગતરોજ નગરના જુદા-જુદા વિસ્તારોની અચાનક મુલાકાત લઇ પ્રજાલક્ષી સુવિદ્યાઓની ચકાસણી કરતા શહેરમા ડોર ટુ ડોર કચરા એકત્રીકરણની કામગીરીનો અભાવ, કચરા-ગંદકીના ઢગ જામેલા હોવા ઉપરાંત સફાઇ કામગીરી કરવામાં આવતી નહી હોવાનુ જણાઇ આવ્યુ હતું. તદુપરાંત નગરજનોને પીવા માટે પાણી પુરૂ પાડતી વોટરવર્કસ વિભાગની ટાંકી તેમજ સંશાધનો જર્જરિત જણાઇ આવી હતી,. કચરો એકત્ર કરવા માટેના વાહના તેમજ કચરા પેટીઓ પાલિકા બિલ્ડીંગ પાસે જર્જરિત અને ધુળ ખાતી હાલમાં પડી હોવાનુ જણાઇ આવતા તેઓએ સેનેટરી અને વોટર વર્કસ વિભાગના કર્મચારીઓનો રીતસર ખખડાવી નાંખી કામગીરીમાં ત્વરિત અને પરિણામલક્ષી સુધાર કરવા આદેશ કર્યો હતો. સાથોસાથ કચરો એકત્ર કરવા માટેની કચરાપેટી સહિતના સાધનો, વાહનોની તત્કાલિન મરામ્મત કરીને નિયમિતપણે ડોર ટુ ડોર કચરા એકત્રીકરણની કામગીરી સઘન બનાવી તેના ફોટોગ્રાફ લઇને મોકલી આપવા, વોટર વર્કસની ચોતરફ મજબુત જાળી લગાવીને યાંત્રિક સંશાધનોને તત્કાલિન ધોરણે રીપેરીંગ કરીને કાર્યરત કરવા સખ્ત આદેશ કરતા નગરપાલિકા ભવનમાં હલચલ મચી જવા પામી છે.