- જાહેર માર્ગને પહોળો કરાતાં રાહદારીઓને રાહત મળી
- મામલતદારે પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી દબાણોનો સફાયો કર્યો
- બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરતા માર્ગ ખુલ્લો થયો
આણંદ જિલ્લાના સોજીત્રાથી તારાપુર તરફ જતા માર્ગની ચોકડી ઉપર બન્ને સાઇડે વેપારીઓ, લારી-ગલ્લા, પાથરણાવાળાઓએ દબાણો ખકડી દેતા માર્ગ સાંકડો બનવા સહિત ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. ત્યારે માર્ગ પહોળો કરવા માટે આજરોજ માર્ગ અને મકાન વિભાગ, મામલતદાર અને નગરપાલિકાના વહીવટદારની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાચા-પાકા 50 દબાણો ઉપર બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરતા માર્ગ ખુલ્લો થયો છે. સોજીત્રાથી તારાપુર જતા માર્ગ ઉપરની ચોકડી ઉપર છેલ્લા કેટલાક સમયથી લારી-ગલ્લા, નાના વેપારીઓ-ફેરિયાઓ તેમજ વ્યવસાયિકો દ્વારા દુકાનોના ઓટલા, દિવાલો, સનમાઇકા કે પ્લાસ્ટર, લાકડાના પાર્ટીશન, બેનરો, હોર્ડિંગ્સો, જાહેરાતના બોર્ડ, છજાઓ., આડશો ઉપરાંત ફુટપાથ ઉપર સંશાધનો મુકીને દબાણો ખડકી દેતા ટ્રાફિકની ગૅભીર સમસ્યા સર્જાતા રાહદારીઓ, વાહનચાલકોને આવનજાવન માટે મુશ્કેલી પડવા સહિત સમયાંતરે નાની-મોટી આકસ્મિક દુર્ઘટનાઓ પણ સર્જાતી રહેતી હોઇ તંત્ર દ્વારા અગાઉ દબાણકર્તાઓને અનેક વખત દબાણો હટાવવા આદેશ અને તાકીદ કરી નોટીસો આપવામા આવી હોવા છતાં વેપારીઓ-પાથરણાવાળાઓ દ્વારા દુર્લક્ષ સેવવામા આવી રહ્યુ હતું જેને લઇને ટફિકની સમસ્યા દિન પ્રતિદન વિકટ બનતી જતી હતી. ત્યારે માર્ગને ફોરલેન બનાવી પહોળો કરવાની કામગીરીને લઇને સોમવારે સવારથી માર્ગ અને મકાન વિભાગ, મામલતદાર અને પાલિકાના વહીવટદારની ટીમે બુલડોઝર, ટ્રેક્ટર-ટ્રોલી સહિતના સંશાધનો અને સુરક્ષાકર્મીઓને સાથે રાખીને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં મોડીસાંજ સુધી તબક્કાવાર ઓટલા, લારી-ગલ્લા, દિવાલો સહિત 50 કાચા-પાક દબાણોને દુર કરવામા આવતા માર્ગ પહોળો થતાં રાહદારીઓને અવરજવર માટે રાહત વર્તાઇ છે.