સરકાર પાસે જગ્યા માંગી તો વિભાગે રિકવરી કાઢી
મંજુરી વગર સરકારી જમીનમાં વર્ષોથી બસો પાર્ક કરવા સામે કોમર્શિયલ ભાડું વસૂલવા પાટનગર યોજના વિભાગની ભલામણ
ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર-૬માં ઘ-૩ના પેટ્રોલપંપ પાસે સરકારી
જમીન યોગી એજ્યુટ્રાન્ઝિટ નામની બસ સર્વિસની બસના પાર્કિંગ માટે ફાળવવા દરખાસ્ત
કરવામાં આવી છે જેની સામે પાટનગર યોજના વિભાગ દ્વારા સરકારને ભલામણ કરવામાં આવી છે
કે, અહીં ઘણા
વખતથી આ એજન્સીની બસો મંજુરી વગર ગેરકાયદે પાર્ક થાય છે તેવા કિસ્સામાં પહેલા
તેમની પાસેથી એપ્રિલ-૨૦૨૪થી અત્યાર સુધી આ આઠ હજાર ચોરસ મીટર જેટલી જગ્યાનો
ગેરકાયદે ઉપયોગ કરવા બદલ કોમર્શીયલ ભાડું વસુલવું જોઇએ.
મહાનગરપાલિકા એક બાજુ નાના વેપારીઓ અને ફુટપાથના ફેરીયાને
ઉઠાવી દબાણો હટાવી દિધા હોવાનો રૃઆબ કરે છે તો બીજીબાજુ કોર્પોરેશનની બસ એજન્સી
દ્વારા જ ઘણા સમયથી સરકારી જમીન ઉપર ગેરકાયદે પાર્કિંગ કરીને દબાણ કરવામાં આવ્યું
હોવાની વાત બહાર આવી છે. ગાંધીનગરના સેક્ટર-૬,ઘ-૩ના ખુણેથી શહેરી બસ સર્વિસનું સંચાલન થાય છે. આ સર્વિસ
યોગી એજ્યુટ્રન્ઝીટ નામની એજન્સી દ્વારા ચલાવવામાં આવે છે ત્યારે આ યોગી
એજ્યુટ્રાન્ઝિટ એજન્સી પોતાની બસો કોઇ પણ મંજુરી વગર ગેરકાયદે રીતે પેટ્રોલપંપની
પાસે ગરબા ગ્રાઉન્ડમાં પાર્ક કરે છે જે નહીં કરવા પાટનગર યોજના વિભાગ દ્વારા અગાઉ
નોટિસ પણ આપવામાં આવી હતી તેમ છતા મહાનગરપાલિકા સંચાલિત આ બસ એજન્સી દ્વારા અહીં
દબાણ કરીને આઠ હજાર ચોરસ મીટર જમીનનો ગેરકાયદે ઉપયોગ કરવામાં આવે છે.
હવે આ જગ્યાએ બસ પાર્કિંગ માટે સરકારમાં દરખાસ્ત કરવામાં
આવી છે તેવી સ્થિતિમાં સરકારી વિભાગે સ્થાનિક તંત્રની ભલામણ માંગી છે. જેમાં
પાટનગર યોજના વિભાગ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, અહીં ઘણા વખતથી
ગરેકાયદે પાર્કિંગ કરવામાં આવે છે. વારંવાર ટકોર કરવામાં આવી છતા આ સરકારી કિમતી
જગ્યાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.સરકારે પહેલા આ જગ્યાનો ઉપયોગ કરવા બદલ બસ એજન્સી
પાસેથી એપ્રિલ-૨૦૨૪થી આજદિન સુધી કોમર્શીયલ ભાડું અથવા સરકાર નક્કિ કરે તે પ્રમાણે
ભાડું વસુલવું જોઇએ અને ત્યાર બાદ જ આ જમીન હંગામી ભાડાપટ્ટે ફાળવણી કરવી જોઇએ.
મહાનગરપાલિકા અને બસ એજન્સીને પાટનગર યોજનાની નોટિસઃસુધારો
નહીં
ગાંધીનગરના સેક્ટર-૬માં પેટ્રોલપંપની પાસેની સરકારી જમીન
ગેરકાયદે વાપરવા માટે અગાઉ મહાનગરપાલિકાની બસ સવિસ એજન્સી યોગી દ્વારા ફેન્સીંગ
કરી દેવામાં આવી હતી. જે અંગે અગાઉ પાટનગર યોજના વિભાગ દ્વારા મહાનગરપાલિકા તથા બસ
એજન્સીને પણ નોટિસ આપવામાં આવી હતી તેમ છતા અહીં ગેરકાયદે ખાનગી બસ પાર્કિંગ
કરવાની પ્રવૃત્તી તો ચાલુ જ રહી છે. આવી સ્થિતિમાં વારંવાર સુચના આપવામાં આવી હોવા
છતા પણ અહીંથી બસો દૂર કરવામાં આવતી નથી. જેના પગલે હવે જ્યારે આ જમીન પાર્કિંગ
માટે ફાળવવાની દરખાસ્ત કરવામાં આવે છે તેવા કિસ્સામાં જુની રિકવરી વિભાગ દ્વારા
ભરવા સરકારને ભલામણ કરવામાં આવી છે.