બનાસકાંઠા: અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પો સેવાની સરવાણી વહાવી રહ્યા છે, જેમાં સૌથી મોટો સેવા કેમ્પ જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા દાંતા રતનપુર ખાતે ભક્તોની સેવા કરવામાં આવી રહી છે. અહીં પદયાત્રિકોને ક્યાં પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે તે જાણીએ.
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્વ છે. ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી ભરાતા મોટા મેળાઓમાં ભાદરવી પૂનમના મેળાની ગણના થાય છે. આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પગપાળા યાત્રિકો અને સંઘો વધુ પ્રમાણમાં આવતા હોવાથી અંબાજીને જોડતા માર્ગ પર માનવ મહેરામણ ઉમટી પડે છે. જેથી અંબાજી વિસ્તારની અરવલ્લીની ગિરિમાળાઓમાં બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઊઠે છે. શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
બનાસકાંઠા જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમના મહા મેળાનું આયોજન થાય છે. જેમાં સમગ્ર ભારતમાંથી લોકો પદયાત્રા કરી મા અંબાના ધામે દર્શનાર્થે જતા હોય છે. આ મહામેળામાં પદયાત્રિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે માટે અનેક સેવાભાવી લોકો દ્વારા અંબાજીના માર્ગો પર સેવા કેમ્પો શરૂ થયા છે. જેમાં છેલ્લા 17 વર્ષથી અંબાજી જતા પદયાત્રિકોની સેવા માટે દાંતા નજીક રતનપુર ખાતે બનાસ દૂધ શીત કેન્દ્રની સામે વિશાળ જય જલિયાણ સેવા કેમ્પ યોજવામાં આવ્યો છે.
જય જલિયાણ સેવા કેમ્પમાં સેવાભાવી યુવાનો દ્વારા પદયાત્રીઓની સેવા માટે 40 હજાર ફૂટ જેટલો વિશાળ શામિયાણો બનાવવામાં આવ્યો છે. જેમાં પદયાત્રિકોને શુદ્ધ ઘીની બુંદી સાથે ભોજન, આરામ કરવાની ઉત્તમ સુવિધા અને મેડિકલની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત પદયાત્રિકોનો થાક ઉતરી જાય તે માટે લાઈવ ઓરકેસ્ટ્રા પાર્ટી સાથે દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં યોજવામાં આવે છે. ચાર દિવસ સુધી ચાલનારા કેમ્પમાં અંદાજે 2 લાખથી વધુ લોકો સેવાનો લાભ લે છે.
માઈ ભક્ત અને સેવાભાવી હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે, “લાખો માઈ ભક્તો અંબાજી પહોંચ્યા છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આ વર્ષે કુદરતે ચોમેર પોતાનું કુદરતી સૌંદર્ય વેર્યું છે ત્યારે અંબાજી જતા માર્ગો પર માઈ ભક્તોની ભીડ ઉમટવા લાગી છે આ વર્ષે દર વર્ષે કરતા વધારે ભક્તો અંબાજી પહોંચશે. આ વર્ષે 35 થી 40 લાખ પદયાત્રીકો અંબાજી આવવાનો અંદાજ છે. જય જલિયાણ સેવા કેમ્પમાં દરરોજ 50 થી 60 હજાર પદયાત્રિકો ભોજન પ્રસાદ અને અન્ય સેવા લાભ લે છે, સેવા કેમ્પમાં 250 કાર્યકર્તાઓ સેવાઓ આપી રહ્યા છે.”
અનેક પદયાત્રીઓ આ સેવા કેમ્પનો અચૂક લાભ લે છે.
દર વર્ષે ભાદરવી પૂનમના મહા મેળામાં દાંતા રતનપુર ચોકડી નજીક જય જલિયાણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી પદયાત્રા કરી માં અંબાજી ધામ તરફ જતા પદયાત્રિકો વર્ષોથી આ સેવા કેમ્પમાં અલગ અલગ સેવાનો લાભ લે છે. અને આ સેવા કેમ્પ દ્વારા આપવામાં આવતી અનોખી સેવાને પણ પદયાત્રિકો બિરદાવી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર