- ગાંધીધામ નગરપાલિકામાં લોકો મૃત પશુ ભરેલુ ટ્રેક્ટર મુકી જતા દોડધામ
- સ્થાનિકોએ મૃત પશુ ભરેલુ વાહન પકડી પાડતા ગરમા ગરમીના દ્રશ્યો સર્જાયા
- પશુઓને દફનાવાના આદેસનો અનાદર કરાતો હોવાનો સ્થાનિકોનો આરોપ
શહેરના સેક્ટર 5 નજીક બાવળોની ઝાડીમાં મૃત પશુઓનો નિકાલ કરાતો હોવાની જાણ થતા આસપાસના લોકો વિસ્તારમાં દોડી ગયા હતા. ત્યારબાદ મૃત પશુ ભરેલુ ટ્રેક્ટર પકડી પાડયું હતુ, પરંતુ લોકરોષ ભાળી ગયેલા કર્મચારીઓ વાહન મુકીને પલાયન થઈ ગયા હતા. જેથી પશુના મૃતદેહો ભરેલુ વાહન નગરપાલિકામાં લઈ જઈ કચેરી સામે રાખી દેવાતા પાલિકાના જવાબદારોમાં દોડધામ મચી ગઈ હતી.
ગાંધીધામના જીઆઈડીસીથી હાઉસિંગ બોર્ડ તરફ જતા કાચા રસ્તા પર તેમજ આદિપુરમાં મુન્દ્રા સર્કલ પાછળ બાવળોની ઝાડીઓમાં મૃત પશુઓનો આડેધડ નિકાલ કરાતા આસપાસના રહિશો કફોળી હાલતમાં મુકાઈ ગયા છે. સ્થાનિકોએ અબોલ જીવોના મૃતદેહો ભરેલા વાહન પકડી પાડવાના બનાવો પણ ઉજાગર થઈ ચુક્યા છે. તેમ છતાં એજ વિસ્તારોમાં મૃત પશુઓનો નિકાલ કરાતા રોષની લાગણી પ્રસરી ગઈ છે. દરમિયાન આજે લોકોએ મૃત પશુઓ ભરેલુ ટ્રેક્ટર પકડી પાડતા નગરપાલિકામાં દોડધામ મચી ગઈ હતી.
ગાંધીધામ, આદિપુરમાં લમ્પી વાયરસના કારણે મૃત્યુ પામેલ ગૌ વંશને ટ્રેક્ટરમાં નાખીને સેક્ટર પ નજીક ડીપીએની જમીનમાં નાખવામાં આવે છે. આ દરમિયાન આજે બપોરના અરસામાં સેક્ટર પ પાસે મૃત પશુઓનો નિકાલ કરાતા આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા હતા અને ટ્રેક્ટર પકડી પાડયું હતુ. વાહન છોડવાની ના પાડી દેવાતા એક તબક્કે પોલીસને જાણ કરવામા આવી હતી, પરંતુ સ્થાનિકો મૃત પશુઓ ભરેલુ ટ્રેક્ટર નગરપાલિકા ખાતે લઈ ગયા હતા અને વાહન કચેરી સામે પાર્ક કરી નાખ્યું હતુ. જેને પગલે નગરપાલિકાના જવાબદારોમાં દોડધામ મચી ગઈ હતી.
પશુઓને દફનાવાના આદેસનો અનાદર કરાય છે
ગાંધીધામમાં મૃત પશુઓનો જુદાજુદા સ્થળોએ નિકાલ કરવામા આવે છે, પરંતુ નગરપાલિકા દ્વારા આવા પશુઓને ખાડો ખોદીને તેમાં નિકાલ કરવા આદેસ કરવામા આવ્યો છે. તેમ છતાં મૃત ઢોરોને જાહેર રોડ તેમજ ડીપીએ હસ્તકની પડતર ખુલ્લી જમીનમાં ફેકી દેવામા આવે છે. જેના લીધે આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાયેલી રહે છે. જેને પગલે લોકોના આરોગ્ય સામે ખતરો પેદા થાય છે.