ગાંધીનગર મહાનગરપાલિકાની કડક કાર્યવાહી
ઢોરવાડામાંથી ૧૪ જેટલા પશુઓને પકડવામાં આવ્યા હવે ખાનગી
માલિકીની જગ્યામાં પણ કાર્યવાહી કરાશે
ગાંધીનગર : ગાંધીનગરમાં સરકારી જમીન ઉપર ઉભા થયેલા ગેરકાયદેસર ઢોરવાડા
હટાવવાની કામગીરી કોર્પોરેશન દ્વારા ચાલુ રાખવામાં આવી છે અને સેક્ટર ૧૬માંથી વધુ
ત્રણ જેટલા ઢોરવાડા હટાવીને સરકારી જગ્યા ખાલી કરવામાં આવી હતી. આ જગ્યાએથી ૧૪
જેટલા પશુઓને પણ પકડવામાં આવ્યા હતા.
ગાંધીનગર કોર્પોરેશન દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી લાગુ
કરવામાં આવ્યા બાદ શહેરમાં ગેરકાયદેસર રીતે ઉભા થઈ ગયેલા ઢોરવાળા હટાવવાની ઝુંબેશ ચાલુ
કરવામાં આવી હતી અને હજી પણ આ કામગીરી યથાવત રાખવામાં આવી છે. મહાનગરપાલિકાની
એસ્ટેટ શાખા તથા સીએનસીડી શાખા દ્વારા ડ્રાઇવ ચલાવી સરકારી જમીન પર થયેલા
ઢોરવાડાના દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સેક્ટર ૧૬ના અલગ
અલગ વિસ્તારમાંથી ત્રણ ઢોરવાડાઓ અને ૧૪ જેટલા
પશુઓ હટાવવામાં આવ્યા હતા. આ ઢોરવાડાઓ દુર કરવામાં આવતા શહેરીજનોને ગંદકી
અને ઢોરના ત્રાસથી મુક્ત કરવામાં અસરકારતા જોવા મળી છે અને કેટલાક પશુ માલિકો
ઢોર-ઢાંખર સાથે અન્ય વિસ્તારમાં સ્થળાંતરીત થયા છે. ગાંધીનગર શહેરમાં અન્ય
વિસ્તારોમાં પણ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર ઊભા થઈ રહેલાં ઢોરવાડા શોધવાની
કામગીરી કરવામાં આવી રહી છે અને આગામી દિવસમાં ન્યુ ગાંધીનગરમાં પણ આ ઝુંબેશ
ચલાવવામાં આવશે. તો હાલ ખાનગી માલિકીની જગ્યા ઉપર રાખવામાં આવતા પશુઓને ટેગિંગ
કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશન તંત્ર દ્વારા તમામ વિસ્તારો નો
સર્વે કરવામાં આવી રહ્યો છે અને તેમાં ગેરકાયદેસર ઢોરવાડા અને દબાણોની પણ યાદી
તૈયાર કરીને આગામી દિવસમાં તેને હટાવવા માટે ખાસ ઝુંબેશ શરૃ કરવામાં આવનાર છે.