Surendranagar Loan Fraud Case | ધ્રાંગધ્રાના મેથાણ ગામે ખાનગી કંપની દ્વારા કરોડો રૂપિયાનું છેતરપિંડી કૌભાંડ બહાર આવ્યું હતું. આ બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં સુરેન્દ્રનગર શહેરમાં એક ખાનગી ફાયનાન્સ કંપની દ્વારા ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી હોમલોન આપી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર લોકોએ મુખ્યમંત્રી સહિત બી-ડિવીઝન પોલીસ મથકે 20થી વધુ લોકો હાજર રહી લેખિત રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે સાઉથની એક ફિલ્મ ધ રિટર્ન ઓફ અભિમન્યુમાં પણ આ જ રીતે સ્કેમર્સ દ્વારા લોકોને બોગસ ડૉક્યુમેન્ટના આધારે લોન અપાવામાં આવતી હતી અને પછી એ પૈસા જેવા જ બેન્ક દ્વારા રિલીઝ થાય એટલે તેને ઉપાડી લેવામાં આવતા હતા. જે બાદ પીડિત લોકો ફરિયાદ કરવાની સ્થિતિમાં પણ રહેતા નહોતા કેમ કે તેઓ પોતે જેલભેગા થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ જતી હતી.
શહેરના મેઈન રોડ પર મેગા મોલમાં આવેલી નોરધન આર્ક કેપીટલ લિમિટેડ નામની ખાનગી ફાયનાન્સ કંપની દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારોને ટાર્ગેટ બનાવી મકાનો ઉપર ખોટા ડોક્યુમેન્ટ દ્વારા હોમલોનના બહાને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. અરજદારોના જણાવ્યા મુજબ પતરાવાળા મકાન પર વધુ રકમની લોન કરવા ધાબાવાળા મકાનના ફોટા પાડી ફાઈલોમાં જોડવામાં આવ્યા હતા. લોનની અરજી કર્યા બાદ અરજદારોના ખાતામાં જમા થયેલા રૂપિયા પણ અન્ય લોકોએ ઉપાડી લઈ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ અરજદારો દ્વારા કરવામાં આવ્યો છે.
તેમજ આ સમગ્ર મામલો બહાર આવતા ભોગ બનનાર અરજદારોએ ફાયનાન્સ કંપનીની ઓફિસે સંપર્ક કરતા ત્યાનાં જવાબદાર અધિકારીઓ ભુગર્ભમાં ઉતરી જતા અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો. આથી રોષે ભરાયેલ 20થી વધુ અરજદારોએ આ સમગ્ર છેતરપિંડી કૌભાંડ મામલે બી-ડિવીઝન પોલીસ મથક સહિત મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. અરજદારોના જણાવ્યા અનુસાર ખાનગી ફાયનાન્સ કંપનીએ 150થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી છે અને જો તપાસ હાથ ધરવામાં આવે તો આ આંકડો હજુ વધી શકે છે. જ્યારે સ્થાનીક બી-ડિવીઝન પીએસઆઈના જણાવ્યા મુજબ ભોગ બનનાર અરજદારોના હાલ નિવેદન લેવામાં આવ્યા છે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.