ઉછીના રૂપિયા આપવાની ના પાડતા
યુવકને લાકડાના ધોકા અને છરીના ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી : ધમકી આપતા બે શખ્સ સામે ફરિયાદ
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ રોડ ઉપર યુવકને બે મિત્રોએ ચા પીવા બોલાવી લાકડાના ધોકા અને છરીના ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી હતી. ઉછીના રૂપિયા આપવાની ના પાડતા માર મારી ધમકી આપતા બનનાર યુવકે બે શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરના મોચી બજાર વિસ્તારમાં રહેતા ફરિયાદી એજાઝભાઈ કાદરભાઈ મોવર (ઉ.વ.૨૨)ને તેના મિત્ર જયપાલ દેવીપુજકે ફોન કરી રિવરફ્રન્ટ રોડ પર ગાય સર્કલ પાસે ચા-પાણી પીવા માટે બોલાવતા ફરિયાદી ત્યાં ગયો હતો.
ત્યાં મિત્ર જયપાલ તેમજ અજીત બંને સાથે ચા-પાણી પીધા બાદ જયપાલે ફરિયાદી પાસે ઉછીના રૂપિયા માંગતા ફરિયાદીએ પૈસા નહિં હોવાથી આપવાની ના પાડતા બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને એકસંપ થઈ ગાળો આપી ફરિયાદીને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. તેમજ અજીતભાઈએ છરી વડે બંને પગે ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ બે શખ્સો જયપાલભાઈ ભરતભાઈ દેવીપુજક અને અજીત શૈલેષભાઈ કોળી બન્ને રહે.કુંભારપરાવાળા સામે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.