– જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે રજૂઆત
– મહિલાએ એજન્ટ વગર રૂપિયા જમા કરાવ્યા છતાં પાસબુકમાં એજન્ટના નામ, કોડનો ઉલ્લેખ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના ટાંકીચોક વિસ્તારમાં રહેતી મહિલા સાથે ટાવર પાસે આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસના અધિકારી સહિતનાઓએ બચતની રકમ બાબતે કનડગત કરી યોગ્ય જવાબ ન આપતા ભોગ બનનાર મહિલાએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.
શહેરના ટાંકીચોક વિસ્તારમાં રહેતા શબાનાબેન યુનુસભાઈ બેલીમના પતિ ડાંગ જિલ્લામાં સરકારી અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ ૨૦૨૧માં તેમનું અવસાન થયા બાદ મળવાપાત્ર ગ્રેજ્યુઈટીની રકમ વર્ષ ૨૦૨૨માં મહિલાને રૂા.૧૩.૭૫ લાખ ચુકવવામાં આવી હતી. મહિલાએ ઉંચુ વ્યાજ મળે તે માટે ૨૦૨૩માં ટાવર પાસે આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં સંપર્ક કરી પોસ્ટ માસ્તર નરેશભાઈ પરમારે અન્ય બેંક કરતા પોસ્ટ ઓફીસમાં ઉચું વ્યાજ અને પોતાની રકમ સુરક્ષિત રહેશે તેમ જણાવ્યું હતું. જેથી મહિલાએ કોઈપણ જાતના એજન્ટ વગર ચેકથી રૂ.૧૦ લાખની પાંચ વર્ષની ફિક્સ ડિપોઝીટ કરાવી હતી જે પાકતી મુદ્દતે રૂા.૧૪ લાખ મળશે તેમ જણાવવામાં આવ્યું હતું અને રૂા.૪ લાખ પોસ્ટ ઓફિસના સેવિંગ ખાતામાં જમા કરાવ્યા હતા. દરમિયાન પોસ્ટ માસ્તર દ્વારા મહિલા પાસેથી બે કોરા ફોર્મ પર સહિ લીધી હતી. જ્યારે બે દિવસ બાદ મહિલા પોસ્ટ ઓફિસ ખાતે જમા કરાવેલી રકમની પાસબુક લેવા ગયા ત્યારે આપવામાં આવેલી બે પાસબુક પૈકી રૂા.૧૦ લાખની પાસબુકમાં અધુરી વિગતો હતી અને પેજ પણ ફાડેલા હતા જ્યારે રૂા.૪ લાખની સેવીંગ્ઝની પાસબુકમાં જમા કરેલી રકમ સેવિંગને બદલે માસીક વ્યાજના દરે ફીક્સ ડિપોઝીટમાં જમા કરાવી હોવાનું દર્શાવ્યું હતું. તેમજ મહિલાએ કોઈપણ એજન્ટ રાખ્યા વગર કામગીરી કરવાનું જણાવ્યું હોવા છતાં બંને પાસબુકમાં એજન્ટના નામ અને કોડ નંબર પણ છપાયેલો હતો.
મહિલાના જણાવ્યા મુજબ હેડ પોસ્ટ ઓફિસના અધિકારી અને સ્ટાફ દ્વારા સંતોષકારક કામગીરી ન થતાં આ મામલે પોસ્ટ માસ્તરને ટેલીફોનીક સંપર્ક કર્યો હતો પરંતુ યોગ્ય જવાબ ન મળતા સુપ્રીટેન્ડેન્ટને લેખીત રજૂઆત કરી હતી અને સમગ્ર મામલે ગેરરીતી થઈ હોવાનું જણાવી જવાબદાર પોસ્ટ માસ્તર સામે કાર્યવાહીની માંગ કરી હતી જેના ભાગરૂપે ઈન્ક્વાયરી કરનાર સલીમભાઈ મીર દ્વારા મહિલાને પોસ્ટ ઓફિસે બોલાવી એનકેન પ્રકારે સમજાવી અગાઉ આપવામાં આવેલ બન્ને ઓરીજનલ પોસ્ટ ઓફિસની પાસબુક લઈ લીધી હતી અને પોસ્ટ માસ્તર સામે કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. તેમજ પાસબુક લીધા બાદ તેમાંથી એજન્ટનું નામ કાઢી નવી પાસબુક આપવામાં આવી હતી.
જ્યારે પોસ્ટ ઓફિસ દ્વારા મહિલાને એક પત્ર દ્વારા તેણે જમા કરાવેલ રૂા.૧૦ લાખ તેમજ રૂા.૪ લાખ પોસ્ટમાં જમા હોવા છતાં પરત આપી દીધો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જે બનાવ બાદ મહિલાને આ બનાવ બાદ પોસ્ટ ઓફિસની કામગીરી પરથી વિશ્વાસ ઉઠી જતા સેવીંગ્ઝ પેટે જમા કરાવેલ રૂા.૪ લાખ અન્ય બેંકમાં ટ્રાન્સફર કરી નાખ્યા હતા. આ અંગે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથધરવામાં આવે અને જવાબદાર પોસ્ટ માસ્તર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.