નર્મદા: ચાંણોદ પાસે પોઇચા ખાતે આવેલી નર્મદા નદીમાં નાહવા પડેલા આઠ પ્રવાસીઓ ડૂબ્યા છે. આ પ્રવાસીઓ મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ સુરતમાં રહેતા હતા. આ લોકોને બચાવવા માટે સ્થાનિક નાવિકો પણ નદીમાં કૂદ્યા હતા. સ્થાનિકોએ ડૂબી રહેલા લોકોમાંથી એક વ્યક્તિને બચાવ્યો છે. રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો આ લોકોના રેસ્ક્યૂ માટે પોઇચા પહોંચ્યા છે. હાલ નર્મદા નદીમાં લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે.
એક વ્યક્તિનો આબાદ બચાવ
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, સુરતથી કેટલાક લોકો પોતાના વાહનમાં પોઇચા આવ્યા હતા. જ્યાં પરિવારના કેટલાક લોકો કિનારે બેઠા હતા અને આઠ જેટલા લોકો નર્મદા નદીમાં નાહવા ગયા હતા. આ દરમિયાન નર્મદા નદીના વહેણમાં ત્રણ બાળકો સહિત આઠ લોકો ડૂબ્યા હતા. આ લોકોના ડૂબ્યાની જાણ થતા સ્થાનિક નાવિકોએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં સ્થાનિકોએ એક વ્યક્તિનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. બાકીના અન્ય લોકોની હાલ પણ શોધખોળ ચાલી રહી છે.
આ પણ વાંચો:
ભારે પવન, ગાજવીજ સાથે વરસાદનું અનુમાન, પરેશ ગોસ્વામીની ‘ભયંકર’ આગાહી
આઠ લોકોમાં ત્રણ કિશોરો પણ સામેલ
આ કરૂણ દુર્ઘટનામાં ત્રણ કિશોરો 15થી 17 વર્ષના હોવાનું સામે આવ્યુ છે. આ લોકોની સાથે આવેલા પરિવારના અન્ય લોકોમાં આક્રંદ છવાઇ ગયો છે. હાલ સ્થાનિકોની સાથે રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરોની વિવિધ ટીમ ડૂબેલા લોકોને શોધી રહ્યા છે.
તંત્ર દ્વારા અપાય છે સૂચના
ચાંણોદ ગામ અને પોઈચાની વચ્ચે આવેલી નર્મદા નદી ઘણી જ ઊંડી છે. જ્યાં તંત્ર દ્વારા પ્રવાસીઓને અનેક સૂચના પણ આપવામાં આવે છે કે, નદીના કિનારે બેસીને જ નાહ્વ, નદીની વધારે અંદર ન જાવ. પરંતુ પ્રવાસીઓ આનંદમાં આ બધી વાતો અવગણી દે છે અને આવી કરૂણ ઘટના ઘટે છે.
આ પણ વાંચો:
વીમા કંપનીની દાદાગીરી પર ગ્રાહક કોર્ટની લગામ
નવસારીમાં એક જ પરિવારના છ લોકો ડૂબ્યા હતા
થોડા દિવસ પહેલા દાંડીમાં પણ આવી જ એક કરૂણ દુર્ઘટના ઘટી હતી. મૂળ રાજસ્થાનનો પરિવાર નવસારીમાં આવેલા દાંડીમાં ફરવા માટે આવ્યો હતો. આ દરમિયાન પરિવાર સાથે બનેલી કરુણ ઘટનામાં 6 લોકોના ડૂબવાથી મોત થયા હતા. જેમાં એક જ રાજસ્થાનાના તળાવ ગામના એક જ પરિવારના ચાર સભ્યોનો સમાવેશ થાય છે. રવિવારે બનેલી ઘટનામાં 6 લોકો ડૂબી ગયા હતા. રાજસ્થાનના પરિવારના સભ્યોના મોત થયા છે તેમાં માતા, બે પૂત્રો અને એક દીકરીનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે ફાયર અને મરિન કમાન્ડો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તંત્રએ 18 કલાક સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. ખાડી વિસ્તારમાં બોટની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જલાલપોર પીઆઈ અને SDRF દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર