Surat Corporation : સુરત પાલિકાના આગામી રિવાઈઝ અને ડ્રાફ્ટ બજેટ માટે તૈયારી થઈ રહી છે તેમાં પણ સુરત પાલિકા કમિશનર વાસ્તવિક બજેટ પર ભાર મુકી રહ્યાં છે મ્યુનિ. કમિશનર તમામ વિભાગોને રિવાઈઝ ખર્ચ માટે વાસ્તવિક ચિત્ર રજુ કરવા માટે સુચના આપી રહ્યાં છે અને કામગીરીનો હિસાબ માંગી રહ્યાં છે. ચાલુ નાણાકીય વર્ષમાં સુરત પાલિકાના 4227 કરોડનો કેપીટલ ખર્ચ રાખવામાં આવ્યો હતો તેમાંથી 1600 કરોડને ખર્ચ ક્રોસ કરી ગયો છે. અને મોટા પ્રોજેક્ટ સાથે વાસ્તવિક ખર્ચ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે તે જોતાં રિવાઈઝ બજેટ કેપીટલ ખર્ચ 3300 કરોડને રાખવામા આવે અને રિવાઈઝ બજેટમાં 100 ટકા સિદ્ધિ મળે તે માટે બજેટની કવાયત થઈ રહી છે.
સુરત પાલિકા કમિશનરે બજેટ વાસ્તવિક બજેટ બની રહે તે માટે આયોજન કરવામા આવ્યું છે. જે પ્રોજેક્ટ સાકાર થાય તેવા જ પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને પ્રોજેક્ટ સિવાય જે કામ છે તેમાં અત્યંત આવશ્યક ન હોય ત્યાં સુધી ખર્ચ ન કરવા માટેની સૂચના પણ આપવામાં આવી હતી. આવી સૂચના સાથે પાલિકાનું ચાલુ નાણાકીય વર્ષનું બજેટ 4227 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું જોકે, ડિસેમ્બર મહિનાની 18 તારીખ સુધીમાં 1600 કરોડનો ખર્ચ થઈ ગયો છે અને હવે પાલિકા દ્વારા રિવાઈઝ બજેટ અને ડ્રાફ્ટ બજેટ માટે કવાયત શરૂ થઈ ગઈ છે.
સુરત પાલિકા કમિશનર વિવિધ વિભાગો સાથે બેઠક કરી રહ્યાં છે તેમાં પણ વાસ્તવિક ખર્ચ પર ભાર મુકીને રિવાઈઝ બજેટના રિવ્યુ લઈ રહ્યાં છે. જે કામગીરી શક્ય હોય તેમાં જ ખર્ચ કરવા અને રિવાઈઝ બજેટ બનાવવા માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે. હાલમાં પાલિકામાં ચાલતી ચર્ચા મુજબ ગત વર્ષે પણ પાલિકાએ રિવાઈઝ બજેટ કર્યુ હતું. જેમાં 3204 કરોડ કેપીટલ ખર્ચ આંકવામા આવ્યો હતો તેમાં 100 ટકા સિધ્ધિ મળી હતી. તેવી જ રીતે હાલમાં 3300 કરોડની આસપાસના કેપીટલ ખર્ચ માટે રિવાઈઝ બજેટ બને તે માટે આયોજન થઈ રહ્યું છે અને આ વર્ષે પણ 100 ટકા કેપીટલ ખર્ચ થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.