– બોરસદના દહેવાણ તાબે અંબેરાવપુરમાં
આણંદ : બોરસદના દહેવાણ તાબે અંબેરાવપુરમાં ૧૬ વર્ષ પહેલા પરિણીતા સાથે આડા સબંધનો વહેમ રાખીને એક શખ્સે સુઈ રહેલા એક યુવકના મોઢા પર એસીડ રેડયું હતું. આ કેસમાં કોર્ટ દ્વારા શખ્સને પાંચ વર્ષની સાદી કેદની સજા કરી છે.
દહેવાણ તાબે અંબેરાવપુર ગામે રહેતા રાજેન્દ્રભાઈ ગત તા.૧૯ નવેમ્બર ૨૦૦૮ના રોજ રાત્રે પોતાના ઘરે સુતા હતા. ત્યારે ગામમાં રહેતા દિનેશભાઈ ઉર્ફે ઝીણાભાઈ ભીખાભાઈ સોલંકીએ રાજેન્દ્રભાઈ પર એસીડ રેડી નાસી છુટયો હતો. આ અંગે વિરસદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તાજેતરમાં આ કેસ એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ, બોરસદની કોર્ટમાં ચાલી જતાં જજ મનીષ દિલીપભાઈ નંદાણી દ્વારા દિનેશભાઈ સોલંકીને તકસીરવાન ઠેરવીને પાંચ વર્ષની સાદી કેદની સજા અને રૂ.૧૪ હજાર દંડ ફટકાર્યો હતો. તેમજ ઈજાગ્રસ્તને શારીરિક અને માનસિક વેદના માટે બે મહિનામાં રૂ.૨૫ હજાર ચૂકવવા હુકમ કર્યો હતો.