India Against Pakistan: જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલા બાદ સરહદ પારથી તણાવ વધવાને પગલે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક સીઝફાયર માટે સંમત થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા હતા. સીઝફાયર એ ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચેની વાતચીતનું પરિણામ હતું.
સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી સ્થળો પર સટીક હુમલા કર્યા બાદ આ ઘટના સામે આવી છે. ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા પર મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા, જેને સેનાની એર ડિફેન્સ સિસ્ટમે રોકી દીધા હતા.
ભારત તરફથી કઇ કાર્યવાહી પ્રભાવિત રહેશે?
સિંધુ જળ સંધિ સ્થગિત?
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર સરકારી સૂત્રોએ પુષ્ટિ કરી છે કે સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે શનિવારે થયેલા સીઝફાયરના કરારમાં કોઈ પૂર્વ શરત નથી અને સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે. 1960માં વિશ્વ બેંક દ્વારા કરવામાં આવેલી આ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદી અને તેની સહાયક નદીઓના વિતરણ અને ઉપયોગનું સંચાલન કરે છે. આ સંધિનો ઐતિહાસિક રીતે ફાયદો પાકિસ્તાનને થયો છે, જે આ નદીઓમાંથી કુલ પાણીના પ્રવાહનો લગભગ 80 ટકા હિસ્સો મેળવે છે, જે કૃષિ માટે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને પંજાબ અને સિંધ પ્રાંતો માટે.
અટારી ચેક પોસ્ટ રહેશે બંધ
અટારી ખાતે ઇન્ટિગ્રેટેડ ચેક-પોસ્ટ પણ બંધ રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અટારી-વાઘા બોર્ડર ક્રોસિંગ એક અઠવાડિયાથી વધુ સમય સુધી સરહદ પારની ભારે હિલચાલ બાદ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું. પંજાબના અટારીમાં આવેલી ચેક પોસ્ટ બંધ કરી દેવામાં આવી હતી અને માન્ય દસ્તાવેજો સાથે સરહદ પાર કરનારાઓને 1 મે પહેલા આ જ રૂટથી પરત ફરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
વેપાર પ્રતિબંધો
પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ ચાલુ રહેશે, પછી તે પ્રત્યક્ષ હોય કે મધ્યસ્થ દેશો દ્વારા. આ ઉપરાંત પાકિસ્તાન રજિસ્ટર્ડ જહાજોને ભારતીય બંદરગાહમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ભારતીય જહાજોને પાકિસ્તાનના બંદરગાહ સુધી પહોંચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે મજબૂત રાજદ્વારી વલણ દર્શાવે છે.
આ પણ વાંચો – ભારત અને પાકિસ્તાનના સીઝફાયર વચ્ચે ઇન્ડિયન એરફોર્સે કહ્યું – ઓપરેશન સિંદૂર હજુ યથાવત્ છે
ફોરેન ટ્રેડ પોલિસી (એફટીપી)માં “પાકિસ્તાનમાંથી આયાત પર પ્રતિબંધ” હેઠળ નવી સમાવિષ્ટ જોગવાઈમાં જણાવાયું છે કે પાકિસ્તાનમાં ઉત્પન અથવા ત્યાંથી નિકાસ કરતા તમામ માલની સીધી કે આડકતરી આયાત, પછી ભલે તે મુક્તપણે આયાત કરી શકાય તેવી હોય કે અન્ય રીતે માન્ય હોય, આગામી આદેશ સુધી તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરવામાં આવશે.
એરસ્પેસ બંધ
ભારત પાકિસ્તાનથી આવનારી કે પાકિસ્તાન થઇને પસાર થતી ફ્લાઇટ્સ માટે પોતાનું એરસ્પેસ બંધ કરવાનું ચાલુ રાખશે. આ પગલું 30 એપ્રિલથી અમલમાં આવ્યું છે. આ પગલાને કારણે વિદેશી એરલાઇન્સ, જે સામાન્ય રીતે ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી બહાર નીકળ્યા પછી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને વધુ વૈકલ્પિક માર્ગો લેવાની ફરજ પડી હતી.
પાકિસ્તાની અભિનેતા અને કલાકારો પર પ્રતિબંધ
ભારત રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં પાકિસ્તાની અભિનેતા અને કલાકારો પર પ્રતિબંધ યથાવત્ રહેશે. આ ઉપરાંત ભારતમાં કાર્યરત તમામ ઓટીટી પ્લેટફોર્મ, મીડિયા સ્ટ્રીમિંગ સેવાઓ, પાકિસ્તાન મૂળની વેબ સિરીઝ, ફિલ્મો, ગીતો, પોડકાસ્ટ અને અન્ય ડિજિટલ સામગ્રી પર પ્રતિબંધ ચાલુ રહેશે.
પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ
ભારત પાકિસ્તાની નાગરિકો માટે તમામ પ્રકારના વિઝા સ્થગિત કરવાનું ચાલુ રાખશે. પહેલગામ આતંકી હુમલા બાદ સરકારે પાકિસ્તાની નાગરિકો માટે તમામ કેટેગરીના વિઝા સસ્પેન્ડ કરી દીધા હતા અને દેશમાં પહેલાથી જ રહેલા લોકોને 27 એપ્રિલ સુધી દેશ છોડવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે મેડિકલ વિઝાને 29 એપ્રિલ સુધી વધારી દેવામાં આવ્યા હતા, જે બાદ તેને પણ રદ કરવામાં આવ્યા હતા.
વિદેશ મંત્રાલયએ જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલાને પગલે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ) દ્વારા લેવામાં આવેલા નિર્ણયોના અનુસંધાનમાં ભારત સરકારે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયે પાકિસ્તાનમાં ભારતીય નાગરિકોને વહેલી તકે પાછા ફરવાની સલાહ પણ આપી હતી.