જૂનાગઢ: જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સૌ પ્રથમ વખત બોડી ફેટ એનાલાઈઝર મશીન દ્વારા તપાસ કરવા માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 19 ઓક્ટોબર અને શનિવારે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે પણ લોકોના શરીરમાં ચરબીનું પ્રમાણ વધુ હોય અથવા તો જેને પોતાના શરીરમાં ચરબીનું પ્રમાણ કેટલું અને હાડકાનું વજન કેટલું છે તે જાણવું હોય તો આ કેમ્પનો લાભ લઈ શકે છે. આ સિવાય આ મશીનથી શરીરમાં મસલ્સનો જથ્થો કેટલો છે તે પણ જાણી શકાય છે. ત્યારે આવો આ કેમ્પ અને મશીનને લઈ તમામ માહિતી આપણે જૂનાગઢ સિવિલના તબીબ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટ પાસેથી જાણીએ.
ફેટ એનાલાઈઝર મશીન દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાશે
જૂનાગઢ સિવિલના તબીબ અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટના જણાવ્યાનુસાર, સિવિલ હોસ્પિટલ ખાતે આગામી 19 ઓક્ટોબર શનિવારે સૌપ્રથમ વખત બોડી ફેટ એનાલાઈઝર મશીન દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શરીરની અંદર ચરબીનું પ્રમાણ કેટલું છે? મસલ્સનો ભાગ કેટલો છે? અને શરીરના બંધારણમાં હાડકાનું વજન કેટલું છે? તેની તપાસ મશીન દ્વારા કરવામાં આવશે. આ મશીનથી જે રિપોર્ટ આવે છે તેના થકી લોકો પોતાના શરીરમાં ચરબી ઘટાડવાની જરૂર છે કે નહીં અથવા તો કસરતની જરૂર છે કે નહીં તે વિશે પણ જાણી શકશે. સામાન્ય રીતે આ રિપોર્ટનો ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલમાં 800 થી હજાર રૂપિયા સુધીનો થતો હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં આ સારવાર ફ્રીમાં કરી દેવામાં આવશે. જેથી જૂનાગઢના લોકોને આ કેમ્પમાં લાભ લેવા માટે તબીબ અધિક્ષક દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.
આ સાથે જે પણ હોસ્પિટલમાં તપાસ કરવા માટે આવે છે તેમને જો વધુ તપાસની જરૂર પડે અથવા તો વધુ સારવારની જરૂર પડે તે માટે 20 ઓક્ટોબરે ફરી એક કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં જે લોકોનું શરીર વધી ગયું છે અને હૃદયને નુકસાન પહોંચી શકે તેમ છે તેવા લોકોની સર્જરી જેને બેરિયાટ્રિક સર્જરી કહે છે. આ સર્જરી માટે પણ સિવિલ હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યું છે.
આ જગ્યાએ તપાસ માટે જઈ શકાશે
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મફત નિદાન કેમ્પનું આયોજન સવારે 10 થી બપોરે 1:00 વાગ્યા સુધી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. જેમાં સિવિલ હોસ્પિટલના બીજા માળે 213 નંબર સર્જરીની ઓપીડીમાં જઈ શકાશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર