- સાબરકાંઠા જિલ્લાની સરકારી પ્રા. શાળાઓના 127 ઓરડાઓનો સમાવેશ
- રાજ્ય સરકારે બન્ને જિલ્લામાં નવા ઓરડાઓ બનાવવા ગ્રાન્ટ ફાળવી
- છેલ્લા બે વર્ષમાં રૂ.16101.38 લાખની ગ્રાન્ટ ફાળવી
વાંચશે ગુજરાત, ભણશે ગુજરાત….. જેવા જાતજાતના નારાઓ વચ્ચે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓના 492 ઓરડાઓ જર્જરિત હોવાનું સરકારે વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા આંકડાઓ પરથી સ્પષ્ટ થયું છે. શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવામાં આવે છે, તેમ છતાં વર્ષો બાદ પણ શાળાઓમાં આવેલા ઓરડાઓની આ સ્થિતિ હોય ત્યારે આમ કેવી રીતે ભણશે ગુજરાત ? તેવા સવાલો થવા સ્વાભાવિક છે.
પ્રાથમિક શિક્ષણ એ દરેક બાળક માટે ઇમારતના પાયા સમાન હોય છે. ઇમારતનો પાયો નબળો હોય ત્યારે તેની ધસી પડવાની શક્યતાઓ વધી જાય છે. એજ પ્રકારે પ્રાથમિક શિક્ષણનો પાયો જ નબળો રહી જાય ત્યારે આવા બાળકો આગળ જતાં અભ્યાસમાં પાછળ પડી જતા હોય છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યા સામે શિક્ષકોનું જરૂરી મહેકમ અને અભ્યાસ માટે ઓરડા એ પાયાની શરત માનવામાં આવે છે. પરંતુ જો સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ માટે આવતા બાળકોને માથે ઓરડારૂપી છત જ જર્જરિત હોય ત્યારે તેઓ શિક્ષણમાં મન કેવી રીતે પરોવી શકે ? તે પણ વિચાર માગી લેતો સવાલ છે. એકતરફ રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, આમ છતાં આજે પણ કેટલીક સરકારી પ્રાથમિક શાળાઓમાં પાયાની શરત સમાન ઓરડા જર્જરિત હાલતમાં જોવા મળે છે. વિધાનસભા ગૃહમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ઉઠાવેલા સવાલના જવાબમાં સરકારે પ્રાથમિક શાળાઓના ઓરડાઓ બાબતે આંકડા રજુ કર્યા છે. જેણે ઓરડાઓની હાલતની પોલી ખોલી નાખી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓના 492 ઓરડા જર્જરિત હોવાનું સરકારે વિધાનસભામાં જણાવ્યું છે. જેમાં અરવલ્લીમાં 365 અને સાબરકાંઠા જિલ્લામાં 127 ઓરડાઓની હાલત સારી નથી તેવું સ્પષ્ટ કર્યું છે. એવું પણ નથી કે, રાજ્ય સરકાર ઓરડાઓની હાલત વિશે ચિંતિત નથી. તા. 31-12-2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન બન્ને જિલ્લામાં સરકારે પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓ બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી છે. વર્ષ 2021-22 અને વર્ષ 2022-23માં એમ બે વર્ષમાં અરવલ્લી જિલ્લામાં રૂ.4335.50 લાખ અને સાબરકાંઠા જિલ્લામાં રૂ. 11765.88 લાખ મળી કુલ રૂ. 16101.38 લાખ જેવી મોટી રકમની ફાળવણી પણ કરી છે.
બન્ને જિલ્લામાં નવા 1207ઓરડા મંજૂર કરાયા
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં છેલ્લા બે વર્ષમાં નવા 1207 ઓરડા મંજૂર કરાયા છે. જેમાં અરવલ્લીમાં 325 અને સાબરકાંઠામાં 882 ઓરડાનો સમાવેશ થાય છે. જે પૈકી અરવલ્લી જિલ્લામાં 79 ઓરડા જ્યારે સાબરકાંઠા જિલ્લામાં 134 ઓરડા બની ચૂક્યા છે. આમ બન્ને જિલ્લામાં કુલ 213 ઓરડાનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. જ્યારે અરવલ્લીમાં 246 અને સાબરકાંઠા જિલ્લામાં 748 મળી કુલ 994 ઓરડાઓનું કામ પ્રગતિમાં હોવાનું સરકારે વિધાનસભા ગૃહમાં જણાવ્યું છે.