આણંદ: ખેતર અને વનવગડામાં મોટાભાગે વિવિધ પ્રકારના રેપ્ટાઈલ્સ જેવા કે સાપ, પાયથોન વગેરે જોવા મળતા હોય છે. જેમાંથી અમુક જ સાપ લોકોને નુકસાન પહોંચાડતા હોય છે. પરંતુ લોકો તેમનાથી ડરતા હોવાના કારણે તેને જોતા જ મારી નાખતા હોય છે અથવા તો ઈજા પહોંચાડતા હોય છે. જેના કારણે ધીમે ધીમે રેપ્ટાઈલ્સ ખતમ થઈ રહ્યા છે. ત્યારે આણંદનો એક યુવાન રેપ્ટાઈલ્સને બચાવવાનું કામ કરી રહ્યો છે. તે રેપ્ટાઈલ્સને પકડીને જંગલમાં મૂકી આવે છે.
સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરે છે આ યુવાન
આણંદમાં રહેતો જય હરિયાણવી નામનો યુવાન છેલ્લા 5-6 વર્ષથી એક NGO સાથે મળીને સાપનું રેસ્ક્યૂ કરવાનું કામ કરી રહ્યો છે. લોકલ 18 સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, “આણંદ અને વિદ્યાનગરમાં કોઈપણ વિસ્તારમાં જ્યારે સાપ નીકળે છે. ત્યારે જે તે વ્યક્તિ NGOને જાણ કરે છે. ત્યારે હું ઘટનાસ્થળે પહોંચીને સુરક્ષિત રીતે સાપનું રેસ્ક્યૂ કરું છું અને તેને જંગલમાં મૂકી આવું છું. મારી સાથે 7-8 લોકોની ટીમ છે. જે પણ આ કામ કરે છે.”
તેમણે આગળ જણાવ્યું કે, “ઘણી વખત સાપ છંછેડાયેલા હોય છે. આવા સાપને પૂંછડીના ભાગેથી સાવચેતીપૂર્વક પકડીને રેસ્ક્યૂ કરવામાં આવે છે. સાપનું રેસ્ક્યૂ કરવા માટે ડબ્બા, સળિયો સહિતની વસ્તુઓ અમે સાથે રાખીએ છીએ. મેં અત્યાર સુધી વિવિધ પ્રકારના સાપ અને પાયથોનનું રેસ્ક્યૂ કર્યું છે. અમે બે વખત પાયથોનનું રેસ્ક્યૂ કરી તેને જાંબુઘોડાના જંગલ પણ છોડી આવ્યા છીએ.”
સાપ જોવા મળે તે સમયે શું ધ્યાન રાખવું?
જય હરિયાણવીએ જણાવ્યું કે, “જ્યારે પણ ઘરમાં અથવા ખેતરમાં સાપ જોવા મળે તે સમયે તેને છંછેડવા કરતા તરત જ અમને કોલ કરવો અને જ્યાં સુધી રેસ્ક્યુ કરનારા ના પહોંચે ત્યાં સુધી એ સાપ ઉપર નજર રાખવી. ખાસ કરીને તેની નજીક ન જવું અને જો કોઈ કારણોસર સાપ બટકું ભરી લે તો તાત્કાલિક હોસ્પિટલ અથવા તો રેસ્ક્યુ કરનારને જાણ કરવી. આ પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારના ભુવા પાસે જવા કરતા ડોક્ટરનો સંપર્ક કરવો. જો સાપ આસપાસ હોય તો તેનો ફોટો પાડી લેવો. જેથી સાપની ઓળખ કરીને દર્દીને તેની રસી આપી શકાય. આ ઉપરાંત જે જગ્યાએ સાપ કરડ્યો હોય તે જગ્યાએ ખૂબ એક કપડું બાંધી દેવું, જેથી કરીને ઝેર શરીરમાં ફેલાતું અટકી જાય.”
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર