- રજીસ્ટ્રાર ડૉ.પ્રમોદકુમાર પાંડેએ ઉપસ્થિત મહાનુભાવોનો યુનિ. વતી આભાર વ્યક્ત કર્યો
- સમારોહના આરંભે યુનિ.ના પ્રોવોસ્ટ ડૉ. ડી.જે. શાહે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યુ
- સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ડૉ. સુંદર મનમોહને જણાવ્યુ હતુ
વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા 2021-22માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો પાંચમો ભવ્ય પદવીદાન સમારોહ યોજાઇ ગયો. કાર્યક્રમમાં સ્નાતક, અનુસ્નાતક, પીએચ.ડી. પૂર્ણ કરી ઉત્તીર્ણ થયેલ કુલ 1478 પદવીધારકો, જેમાં 791 સ્નાતક, 608 અનુસ્નાતક, 12 પોસ્ટ ડીપ્લોમા, 49 પીજી ડીપ્લોમા, અને 18 પીએચ.ડી. સ્કોલર્સને પદવી એનાયત કરાઈ હતી. ઉપરાંત સ્નાતક અને અનુસ્નાતકકક્ષાએ ઉત્તમ અભ્યાસ પૂર્ણ કરેલ 38 ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને અને 18 પીએચ.ડી. સ્કોલર્સને મહેમાનોના હસ્તે સુવર્ણચંદ્રક એનાયત કરી પુરસ્કૃત કરાયા હતા.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડૉ.સુંદર મનોહરન (ડાયરેક્ટર જનરલ, પંડીત દીનદયાલ એનર્જી યુનિ., ગાંધીનગર), ગગજીભાઇ સુતરીયા (પ્રમુખ, સરદારધામ, અમદાવાદ), શારદાબેન પટેલ (સાંસદ) ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહના આરંભે યુનિ.ના પ્રોવોસ્ટ ડૉ. ડી.જે. શાહે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. યુનિ.ના પ્રેસિડેન્ટ પ્રકાશભાઇ પટેલે પદવી પ્રાપ્ત કરનાર સર્વે વિદ્યાર્થીઓને તેમનાં ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ યુનિવર્સિટીએ છ વર્ષના ટુંકા સમયગાળામાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નામાંકિત યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવેલ જે બદલ યુનિ સંલગ્ન સંસ્થાઓના સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ડૉ. સુંદર મનમોહને જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓને પોતાના એજ્યુકેશનનો ઉપયોગ કરી ભારત સરકાર દ્વારા ચાલતી આત્મનિર્ભર ભારત જેવી યોજનાનો લાભ લઇ ભારતના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઇએ. તેમજ સરદારધામના પ્રમુખ ગગજીભાઇ સુતરીયાએ પોતાનો ધ્યેય પુરો કરવા અને આગળ વધવા જુદા જુદા ઉદારહણ આપી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા તેમજ સરદારધામમાં ચાલતી વિવિધ જીપીએસસી, યુપીએસસી પરીક્ષાઓને લગતી તથા એજ્યુકેશનલ સેવાઓનો લાભ લેવા જણાવ્યુ હતુ. સાંસદ શારદાબેન પટેલે વિદ્યાર્થીઓને વિશ્વમાં આગામી સમયમાં આરોગ્ય અને તકનીકી ક્ષેત્રે વિવિધ તકોનો લાભ લઇ પોતાની કારકિર્દીનું ઉત્તમ નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો. રજીસ્ટ્રાર ડૉ.પ્રમોદકુમાર પાંડેએ ઉપસ્થિત મહાનુભાવોનો યુનિ. વતી આભાર વ્યક્ત કર્યો હતો.