સરદાર વલ્લભભાઈ પટેલના યુવાનીના તોફાની દિવસો: એક રસપ્રદ કિસ્સો -Sardar Patel Youth Stories From Mischief to Satyagraha history

0
30

પેટલાદથી નડિયાદ: તોફાનની શરૂઆત

વલ્લભભાઈનો તોફાની સ્વભાવ પેટલાદની શાળામાંથી જ ઝળકવા લાગ્યો હતો. શિક્ષકોના ચાળા પાડવા, મજાક-મશ્કરી કરવી અને સાથી વિદ્યાર્થીઓ સાથે ટીખળો કરવી એ તેમની રોજિંદી આદત હતી. જ્યારે તેઓ વધુ ભણવા નડિયાદ પહોંચ્યા, ત્યારે આ તોફાની વૃત્તિને જાણે પાંખો લાગી ગઈ. નડિયાદની શાળામાં તેમની હિંમત અને નિર્ભયતા એવી હતી કે, તેઓ અન્યાય સામે ઝૂકવાને બદલે બાથ ભીડી જતા હતા. આ નિર્ભયતાનું પહેલું ઉદાહરણ હતું, તેમનો શાળાકાળનો પ્રથમ સત્યાગ્રહ.

નડિયાદનો પહેલો સત્યાગ્રહ: અગરવાલા સાહેબની ટીખળ

બધા જાણે છે કે, સરદાર પટેલનો પ્રથમ સત્યાગ્રહ 1918નો ખેડા સત્યાગ્રહ હતો, પરંતુ એનાથી ઘણાં વર્ષો પહેલાં, નડિયાદની શાળામાં વલ્લભભાઈએ પોતાનો પહેલો સત્યાગ્રહ કરી બતાવ્યો હતો. એક દિવસ શિક્ષક અગરવાલા ઓફિસમાં ગપ્પાં મારવામાં મશગૂલ હતા અને ક્લાસરૂમમાં આવ્યા જ નહીં. આથી, વિદ્યાર્થીઓએ વલ્લભભાઈની આગેવાની હેઠળ, મોટેથી ગીતો ગાવાનું શરૂ કર્યું. અવાજ ઓફિસ સુધી પહોંચતાં અગરવાલા સાહેબ ગુસ્સે થઈને ક્લાસમાં દોડી આવ્યા અને એક વિદ્યાર્થીને ગાવાનો શોખીન માની, ધમકાવવા લાગ્યા. આ અન્યાય વલ્લભભાઈથી સહન ન થયો. તેમણે શિક્ષકને રોકીને કહ્યું કે, “તમે એને શાને ધમકાવો છો? તમે જ ઓફિસમાં ગપ્પાં મારતા હતા, તો અમે ગાઈએ નહીં તો શું રડીએ?”

આ વાતથી શિક્ષક ધૂંઆપૂંઆ થઈ ગયા અને વલ્લભભાઈને વર્ગમાંથી બહાર કાઢી મૂક્યા, પરંતુ વલ્લભભાઈ એકલા ન ગયા. તેમણે સાથી વિદ્યાર્થીઓને આંખના ઈશારે બોલાવ્યા, અને આખો વર્ગ બહાર નીકળી ગયો. આખો દિવસ વર્ગ ખાલી રહ્યો, અને બીજા દિવસે પણ વિદ્યાર્થીઓએ વલ્લભભાઈ વિના વર્ગમાં પ્રવેશ ન કર્યો. આ બાબતની હેડમાસ્તર ભરૂચાને ફરિયાદ પહોંચી. તેમણે વલ્લભભાઈને માફી માગવા કહ્યું, પરંતુ વલ્લભભાઈએ સ્પષ્ટ કહી દીધું કે, “શિક્ષકનો વાંક હતો, માફી તો તેમણે માગવી જોઈએ.” આખરે હેડમાસ્તરે વલ્લભભાઈની નિર્ભયતા અને તર્કશક્તિ જોઈ વિવાદને શાંત કર્યો અને બધાને વર્ગમાં પાછા બેસવા કહ્યું.

ચૂંટણીમાં વિજય: નેતૃત્વની પહેલી ઝલક

વલ્લભભાઈની નેતાગીરીના ગુણો પણ વિદ્યાર્થીકાળમાં જ દેખાવા લાગ્યા હતા. નડિયાદમાં એક વખત સ્થાનિક સુધરાઈની ચૂંટણીનો માહોલ ગરમાયો હતો. શાળાના શિક્ષક શ્રી મહાનંદે ચૂંટણીમાં ઉમેદવારી કરી, જ્યારે તેમની સામે હતા નડિયાદના ધુરંધર ભાઉસાહેબ દેસાઈના કુટુંબના એક સભ્ય. આ દરમિયાન, દેસાઈએ ઘમંડથી કહ્યું કે, “જો માસ્તર જીત્યા, તો હું મૂછ મૂંડાવી નાખીશ!” આ વાત વલ્લભભાઈના કાને પડી, અને તેમણે પોતાના શિક્ષકને જીતાડવાનો નિર્ધાર કર્યો. તેમણે વિદ્યાર્થીઓની ટીમ બનાવી, રણનીતિ તૈયાર કરી અને પ્રચાર શરૂ કર્યો. પરિણામે, શિક્ષક મહાનંદ જીતી ગયા, અને દેસાઈની હાર થઈ. વલ્લભભાઈએ વિદ્યાર્થીઓ સાથે વિજય સરઘસ કાઢીને સૌથી આગળ વાળંદને રાખ્યો અને દેસાઈના ઘર સામે દોઢ કલાક સુધી બૂમાબૂમ કરી, પરંતુ દેસાઈ બહાર ન આવ્યા.

વડોદરાનો તોફાની અધ્યાય

વલ્લભભાઈની તોફાની વૃત્તિનો એક રસપ્રદ કિસ્સો વડોદરાની હાઈસ્કૂલમાં બન્યો હતો. એ સમયે એવું કહેવાતું હતું કે, વડોદરામાં અંગ્રેજી શિક્ષણ શ્રેષ્ઠ છે. આથી અંગ્રેજી સુધારવા માટે સાતમામાં એટલે કે મેટ્રિકના વર્ષમાં વલ્લભભાઈ વડોદરા ગયા, પરંતુ હાઈસ્કૂલમાં પહોંચતા જ વલ્લભભાઈએ તોફાનના પરચા આપવાનું શરૂ કરી દીધું. એક વખત સંસ્કૃત અને ગુજરાતી શીખવતા શિક્ષકે ટીકા કરી કે, “જેને સંસ્કૃત ન આવડે, તેને ગુજરાતી પણ ન આવડે.” વલ્લભભાઈએ તરત જવાબ આપ્યો, “જો અમે બધા સંસ્કૃતમાં રહેત, તો તમે ગુજરાતી કોને ભણાવત?” આ વાતથી શિક્ષક ગુસ્સે થયા અને વલ્લભભાઈને આખો દિવસ છેલ્લી બેન્ચ પર ઉભા રાખ્યા, સાથે એકથી દસના પાઠા 100 વખત લખવાની સજા આપી.

જોકે, વલ્લભભાઈએ પાઠા લખ્યા નહીં. શિક્ષકે કડકાઈથી પૂછ્યું, “વલ્લભ, પાઠા લખી લાવવા છે કે નહીં?” વલ્લભભાઈએ હાજરજવાબીમાં કહ્યું કે, “બસ્સો પાડા લાવ્યો હતો, પણ એક મારકણો નીકળ્યો, એટલે બધા ભડકીને ભાગી ગયા!” શિક્ષકનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. વલ્લભભાઈને ધમકાવીને બીજા દિવસે પાઠા લખી લાવવા તાકીદ કરી. જોકે, બીજા દિવસે વલ્લભભાઈ મશ્કરી કરવામાં એક ડગલું આગળ વધ્યા. “બસ્સેં પાડા” એવા બે શબ્દો લખેલો કાગળ શિક્ષક સામે ધરી દીધો, પછી તો વાત પ્રિન્સિપાલ સુધી પહોંચી ગઈ. ત્યાં જઈને વલ્લભભાઈએ એવી રાવ કરી કે, “સાહેબ, આવી સજા થોડી હોય. અભ્યાસક્રમમાંથી કંઈક લખાવે તો ઠીક, પણ મેટ્રિકના વર્ષમાં એકના પાઠા લખું તો કોઈ મને મૂર્ખ સમજે.” પ્રિન્સિપાલે વલ્લભભાઈની વાત સાંભળી અને શિક્ષકની મર્યાદા જાળવવાની ટકોર કરી સજામાંથી મુક્તિ આપી. જણાવી દઈએ કે, આ વાત ખુદ સરદાર પટેલે મહાદેવભાઈને કહી હતી.

જોકે, વલ્લભભાઈના તોફાનનો આ છેલ્લો અધ્યાય નહોતો. બે મહિના પછી ગણિતના શિક્ષક સામે પણ મોરચો માંડ્યો. ગણિતમાં તેમને કદાચ પહેલેથી રસ નહોતો કે, પછી બીજું કોઈ કારણ હોય. તેઓ ગણિતમાં કાચા હતા. શિક્ષક ગણિત શીખવતા હોય, ત્યારે વલ્લભભાઈ કેરોસીનના ડબલા પર તબલાં વગાડતા રહેતા. શિક્ષક એટલા બધા નારાજ થયા કે, વલ્લભભાઈને શાળામાંથી કાઢી મૂક્યા અને વલ્લભભાઈ આખરે વડોદરામાં તોફાનો કર્યા પછી પાછા નડિયાદ પરત ફર્યા. જ્યારે તેમના મામા ડુંગરભાઈએ પાછા આવવાનું કારણ પૂછ્યું તો વલ્લભભાઈએ એવો જવાબ આપ્યો કે, “ત્યાં કોઈ માસ્તરને ભણાવતાં આવડતું નથી.” આવા પરાક્રમી પરચા સાથે તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ નડિયાદની હાઈસ્કૂલમાં પૂરો કર્યો. મેટ્રિકની પરીક્ષામાં ગણિતમાં નાપાસ થયા એટલે બીજે વર્ષે 1897માં બાવીસ વર્ષની ઉંમરે મેટ્રિક પાસ કર્યું. માત્ર વલ્લભભાઈ એક જ ટીખળ, મજાક-મશ્કરી કરતા હતા એવું નહોતું, તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈએ તો એક વખત હદ વટાવી દીધી હતી. વિઠ્ઠલભાઈએ કોઈ બીજાના નામે પોતાના જ પાડોશીને પત્ર લખ્યો, જેમાં એમના જમાઈ મરી ગયા છે એવી જાણ કરી હતી. પોસ્ટકાર્ડ વાંચીને પાડોશીએ તેની નાનકડી દીકરીની બંગડીઓ તોડી નાખીને વિધવાના વસ્ત્રો પહેરાવી દીધા.

અંગ્રેજો પ્રત્યે વલ્લભભાઈ પટેલનું આકર્ષણ

દીકરીના પરિવારજનો બેસણા માટે સાસરિયામાં પહોંચ્યા તો ખુદ એમના જમાઈ સ્વાગત કરવા આવ્યા. જમાઈને જોતાં જ બધા સમજી ગયા કે, આપણી સાથે કોઈએ મજાક કરી છે. કોઈ તમને એવું કહે કે, વલ્લભભાઈ પટેલ પોતાની યુવાવસ્થામાં અંગ્રેજોના દિવાના હતા તો તમે એ વાત નહીં માનો, પરંતુ 1921માં એક ભાષણમાં ખુદ વલ્લભભાઈએ પોતાની યુવાનીની માન્યતા, તત્કાલીન શિક્ષણ પદ્ધતિ અને અંગ્રેજી સંસ્કૃતિ પ્રત્યેના આકર્ષણની પોતાની ઘેલછા અંગે ખુલાસો કર્યો હતો. એ સમયે તેમના મનમાં ભારતને લઈને ખૂબ મોટી ગેરમાન્યતાઓ હતી. એટલું જ નહીં, અંગ્રેજી અને અંગ્રેજો પ્રત્યે તેમને આકર્ષણ હતું. જોકે, જેમ જેમ તેમની સમજણશક્તિ વિકાસ પામી તેમ તેમની આ માન્યતા ધૂળ ભેગી થઈ ગઈ. ભાષણમાં તેમણે કહ્યું હતું કે, યુવાનીમાં તેઓ અંગ્રેજોની આબેહૂબ નકલ કરતા હતા. તેમની માન્યતા હતી કે, ભારત જેવા અભાગી દેશમાં પરદેશીઓની નકલ કરવી એ શ્રેષ્ઠ કાર્ય છે. આ માન્યતા પાછળનું કારણ હતું તે સમયની શિક્ષણ પદ્ધતિ, જે ભારતીયોને હલકા અને ગેરલાયક ગણાવતી હતી. શિક્ષણ દ્વારા એવું ઝેર પિરસવામાં આવતું હતું કે, ભારતીયો ગુલામીને જ લાયક છે, જ્યારે અંગ્રેજો શ્રેષ્ઠ અને ભારતનો ઉદ્ધાર કરવા સક્ષમ છે.

આ જ ભાષણમાં સરદારે વ્યાજે રૂપિયા લઈને પણ પોતે ઇંગ્લેન્ડ જવા કેટલા તલપાપડ હતા એની પણ વાત કરી હતી. તેઓ અંગ્રેજોના દેશને જોવા અને જાણવા આતુર હતા, પરંતુ પરિવારની સ્થિતિ સાધારણ હોવાથી ઇંગ્લેન્ડ જવાના રૂપિયા નહોતા. એવામાં એમને ખબર પડી કે, 10-15 હજાર રૂપિયા હોય તો ઇંગ્લેન્ડ જઈ શકાશે. એક મિત્રના સૂચન પર તેઓ ઇડર સ્ટેટમાં દરબાર પાસેથી વ્યાજે રૂપિયા મળવાની આશાએ ગયા, પરંતુ નિરાશ થઈને પાછા ફર્યા. આ અનુભવમાંથી તેમને સમજાઈ ગયું કે, જો વિદેશ જવું હોય તો જાતે જ પૈસા કમાવવા પડશે. સંતાન ભણે-ગણે અને હોશિયાર બને એવી ઈચ્છા દરેક માતા-પિતાની હોય જ અને એવી જ ઈચ્છા ઝવેરભાઈની પણ હતી. એટલા માટે જ ઝવેરભાઈ દરરોજ સવારના પહોરમાં વલ્લભભાઈને પોતાની સાથે ખેતરે લઈ જતા. ખેતરનું કામ કરવાના આશયથી નહીં, પરંતુ ખેતરે જવાના માર્ગમાં આવતા-જતા વલ્લભભાઈ પાસે ઘડિયા બોલાવવા અને ગોખાવવા. વલ્લભભાઈના મનમાં અંગ્રેજોના અન્યાય સામે લડતનાં બીજ પણ કદાચ પિતા સાથેની ખેતરમાં થયેલી ગોષ્ઠિઓના કારણે જ રોપાયાં હતાં. કેમ કે ખેતરમાં કામ કરતા કરતા ઝવેરભાઈએ 1857ના વિપ્લવની કહાનીઓ વલ્લભભાઈને ખૂબ સંભળાવેલી. જેના આધારે તેઓ એટલું તો સમજી ગયા હતા કે, ક્રાંતિની નિષ્ફળતાનું મુખ્ય કારણ એકતાનો અભાવ અને અંદરોઅંદરની ફાટફૂટ જ હતી. કદાચ એટલા માટે જ આઝાદીની લડાઈમાં એકતાની આવશ્યકતા પર તેમણે ભાર મૂક્યો એટલું જ નહીં, દેશ આઝાદ થયા બાદ પણ દેશી રજવાડાના એકીકરણને પ્રાધાન્ય આપીને તેને પાર પાડ્યું.

વલ્લભભાઈનું લગ્નજીવન

ખૂબ ઓછા લોકો જાણતા હશે કે, વલ્લભભાઈના લગ્ન તેઓ પેટલાદની સ્કૂલમાં ચોથું ભણતા હતા, ત્યારે જ થઈ ગયાં હતાં. એ સમયનું ચોથું એટલે આજનું આઠમું ધોરણ. કરમસદની નજીક આવેલા ગાના ગામના ઝવેરબા સાથે 1893માં જ્યારે લગ્ન થયાં, ત્યારે વલ્લભભાઈની ઉંમર 18 વર્ષ હતી. જ્યારે ઝવેરબાની ઉંમર 12-13 વર્ષની હશે. જોકે, પાટીદાર સમાજના એ સમયના રિવાજ પ્રમાણે આ ઉંમર નાની નહોતી ગણાતી. વર-કન્યાની લઘુતમ વય કેટલી હોવી જોઈએ એ અંગે ત્યારે કોઈ કાયદો પણ અસ્તિત્વમાં નહોતો. આ ઉપરાંત એ સમયે પાટીદારોમાં પ્રચલિત રિવાજ પ્રમાણે લગ્નના 5-7 વર્ષે કન્યાને સાસરે વળાવાતી હતી. મતલબ કે, વલ્લભભાઈનો ઘરસંસાર શરૂ થયો ત્યારે તેમનો અભ્યાસ પૂરો થઈ ગયો હતો.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here