જૂનાગઢ: સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની શરૂઆત જવાબોના સમયમાં એટલે કે વર્ષ 1863માં થઈ હતી. જૂનાગઢ ફરવા આવતા પ્રવાસીઓ આ પ્રાણીસંગ્રહાલયની અચૂક મુલાકાત લેતા હોય છે. આ પ્રાણીસંગ્રહાલયમાં અત્યાર સુધી અનેક પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. ત્યારે હવે તેમાં ઝીબ્રાની જોડીનો ઉમેરો થયો છે. સક્કરબાગ ઝૂમાં હવે પ્રવાસીઓને આફ્રિકન પ્લેન ઝીબ્રા પણ જોવા મળશે.
આફ્રિકન પ્લેન ઝીબ્રાની ખાસિયત
“રાધે કૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ” જામનગર તરફથી આફ્રિકન પ્લેન ઝીબ્રા એક જોડી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને આપવામાં આવ્યા છે. આફ્રિકન પ્લેન ઝીબ્રા આફ્રિકા ઉપખંડમાં બોત્સ્વાનામાં જોવા મળે છે. તે તેમના કુળના અન્ય ગ્રેવિસ ઝીબ્રાથી નાના અને માઉન્ટેન ઝીબ્રાથી મોટા કદના હોય છે. પ્લેન ઝીબ્રાની લાક્ષણિકતાઓમાં મુખ્ય શરીર સ્પષ્ટ ઓળખી શકાય તેવા સફેદ કાળા પટ્ટા હોય છે. તેની ગરદન પર ટૂંકા ઉભા વાળ હોય છે.
આફ્રિકન પ્લેન ઝીબ્રામાં 18 થી 22 સેન્ટીમીટર લંબાઈની ઘટ્ટ ગુચ્છાદાર પૂંછડી, ટૂંકા અને મજબૂત પગ, 50 થી 55 સેન્ટીમીટર ઊંચાઈ, 80 થી 97 સેન્ટીમીટર નાકથી પુઠ સુધીની લંબાઈ હોય છે. નર ઝીબ્રાનું વજન 210 થી 322 kg અને માદા ઝીબ્રાનું વજન 175 થી 250 kg હોય છે.
પ્લેન ઝીબ્રા મુખ્યત્વે તૃણાહારી પ્રાણીઓના મોટા ઝુંડ સાથે રહેવાનું પસંદ કરે છે તથા આહારમાં આફ્રિકન ટૂંકા ઘાસ પર નિર્ભર રહે છે. આ સિવાય અન્ય વનસ્પતિ દુષ્કાળ સમયે ઉપયોગમાં લે છે.
આ નવા મહેમાનોને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા નિયત સમય માટે ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં રાખવાનો સમય પૂર્ણ થયો છે. તેથી હવે મુલાકાતીઓ માટે પણ ખુલ્લામાં મૂકવામાં આવ્યા છે. આમ પ્રવાસીઓ માટે આફ્રિકન પ્લેન ઝીબ્રાની જોડી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર