- જય મહારાજના નાદ સાથે ભક્તોએ સાકર પ્રસાદી મેળવી
- નડિયાદના સંતરામ મંદિર પાસેના રોડ પર સમાધિ મહોત્સવ
- શહેર તેમજ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત
નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં રવિવારે 192મો પૂ. યોગીરાજ સંતરામ મહારાજ સમાધિ મહોત્સવ નિમિતે ઢળતી સંધ્યાએ દિવ્ય સાકર વર્ષાનો ઉત્સવ ઉજવાયો હતો. સાકર વર્ષા પૂર્વે મંદિરના મહંત પૂ. રામદાસજી મહારાજે શાખા મંદિરોના સથવારે વર્ષમાં માત્ર એકવાર થતી દિવ્ય મહાઆરતી ઉતારી હતી. આરતી દર્શન અને સાકર વર્ષાનો લાભ લેવા ભકતોનો મહાસાગર ઊમટયો હતો. મંદિર પરિસરમાં હૈયે હૈયુ ભીડાય તેવી ભીડમાં જય મહારાજના નાદ સાથે ભકતોએ સાકર પ્રસાદી મેળવીને ધન્યતા અનુભવી હતી. પૂર્ણિમા નિમિતે મંદિરમાં સંતરામ મહારાજની દિવ્ય અખંડ જયોત અને પાદુકાજીના દર્શન સવારના 5.45 થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં અંદાજે બે લાખથી વધુ દર્શનનો લાભ લીધો હતો.
નડિયાદ સંતરામ મંદિરમાં મહાસુદ પૂર્ણિમાના દિને રવિવારે સંતરામ મહારાજનો 192 સમાધિ મહોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી પરોઢે 4.30 કલાકે ધ્યાન તથા 4.45 કલાકે તિલક દર્શનનો લાભ મોટી સંખ્યામા ભકતોએ લીધો હતો. આ ઉપરાંત મંદિરમાં ગાદી અને અખંડ દિવ્ય જયોતના દર્શનાર્થે આખો દિવસ અવિરત પ્રવાહ રહ્યો હતો. જેમ જેમ સૂર્ય પશ્વિમ તરફ ઢળતો ગયો તેમ તેમ મંદિરના પરિસર સહિત મંદિરની અગાશીઓમાં સૌ શ્રાદ્ધાળુઓએ પોતાનું સ્થાન મેળવી લઇને જય મહારાજનું સ્મરણ કરી રહ્યા હતા. મંદિરના પરિસરમાં 250 ઉપરાંત સ્વયંસેવકો દરેક શ્રાદ્ધાળુઓને સાકરવર્ષાનો લાભ પ્રાપ્ત થાય તે માટે નિર્ધારિત ઉંચી જગ્યાએ સાકર અને કોપરાની પોટલી લઇને ગોઠવાઇ ગયા હતા. સાંજે 6 વાગે મંદિરના મહંત રામદાસજી મહારાજ સહિત તમામ શાખા મંદિરના સંતો ગાદી મંદિર(સમાધિ સ્થાન) સામે ઉભો કરાયેલ 10 ફૂટ ઊંચા અને 10 ફૂટ જેટલો પહોળો આમ ચોરસ પ્લેટફોર્મ ઉપર આવ્યા હતા. ત્યારે ચોતરફ ઉપસ્થિત જનમેદનીએ જય મહારાજ.. જયમહારાજ..ના અવિરત ગગનભેદી નારાઓથી મંદિરને ગજવી મૂકયું હતું. ત્યારબાદ પૂ. રામદાસજી મહારાજે શાખા મંદિરોના સંતોના સથવારે વિશાળ અને સાંજે 6.30 વાગ્યાના અરસામાં દિવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી. આ અલૌકિક આરતીનાં દર્શન સમયે સૌ શ્રાદ્ધાળુઓ જાણે મંત્રમુગ્ધ બની ગયા હોય તેવું દિવ્ય વાતાવરણ જોવા મળ્યું હતું. આરતી બાદ જય મહારાજના સતત નામ રટણ સાથે મંદિરના મહંત રામદાસજી મહારાજે સૌપ્રથમ સાકરવર્ષા કર્યા બાદ સંતોએ અને પછી સ્વયંસેવકોએ સૌ શ્રાદ્ધાળુઓ ઉપર ભવ્ય સાકર વર્ષા કરી હતી. 1500 કિલો સાકર અને કોપરૂ 500 કિલોની વર્ષાનો પ્રસાદ ગ્રહણ કરીને સૌ ભકતોએ ધન્યતા અનુભવી હતી. સાકર વર્ષા દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પૂર્ણિમા નિમિતે મંદિરમાં સંતરામ મહારાજની દિવ્ય અખંડ જયોત અને પાદુકાજીના દર્શન સવારના 5.45 થી રાત્રીના 8 વાગ્યા સુધીમાં.
કોરોનાના કપરાકાળના બે વર્ષ બાદ નડિયાદ સંતરામ મંદિરમાં સમાધિ મહોત્સવ પ્રસંગે ભરાયેલા ધાર્મિક લોકમેળાનો પ્રારંભ થઇ ગયો હતો. આ મેળો ત્રણ દિવસ સુધી ભરાય છે. આ મેળાને માણવા નડિયાદ શહેર સહિત જિલ્લાના ગામડાઓ તથા રાજયભર માંથી મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓ કિડિયારૂની જેમ ઊમટી પડયા હતા. મેળામાં આનંદ પ્રમોદ માણી શકે તે માટે વિવિધ ચકડોળ, ટોરાટોરા, મોતનો કૂવો જેવી નાની મોટી ચકડોળ,રમકડાં, ઘરવખરી સામાન, ખાણીપીણીની હાટડીઓ, લારીઓ તેમજ અન્ય ચીજવસ્તુઓના પાથરણાં, લારીઓ છે. મેળા દરમિયાન કોઇપણ પ્રકારનો નો અનિચ્છનિય બનાવ ના બને તે માટે જિલ્લાપોલીસ વડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શ્રાદ્ધાળુઓને અવર જવરમાં સરળતાં રહે તે માટે સંતરામ મંદિર તરફ જવાનો ચોતરફ માર્ગો ઉપર આડબંધો મૂકીને વાહન વ્યવહાર બંધ કરાયો છે.
પરોઢે 4.45 કલાકે તિલક દર્શન, સાંજે 6.30 કલાકે મહાઆરતી
યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં મહા સુદ પૂર્ણિમાના દર્શનાર્થે અઢી લાખ ઉપરાંત દર્શનાર્થીઓ ઊમટી પડયા હતા. સવારે 5.15 કલાકે મંગળાઆરતી દર્શનનો લાભ લેવા મંદિરના ઘુમ્મટમાં હકડેઠઠ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. રવિવાર અને પૂર્ણિમાને લઇને મંદિરમાં આખો દિવસ શ્રાધ્ધાળુઓનો અવિરત પ્રવાહ રહ્યો હતો. તેમજ મંદિર પરિસર આખો દિવસ ભકતોના જય રણછોડ..ના ગગનભેદી નાદથી ગુંજતું રહ્યું હતું.