- આણંદ જિલ્લાના સમૃદ્ધ એનઆરઆઇ પાડગોલ ગામમાં નવરાત્રિ મહોત્સવની વિદેશોમાં પણ ખ્યાતિ
- ડોસલી કે ડોસલા માતા વહાણવટી માતાનું સ્વરૂપ હોવાની આસ્થાળુઓની માન્યતા
- માતાજીના સ્વરૂપનું અનેક ભાવિકજનોમાં આદરપૂર્વક પૂજન
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાનું પાડગોલ સમૃદ્ધ ગામની સાથોસાથ ડોસલી કે ડોસલા માતાના સ્થાનકને લઇને અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બન્યુ છે. એક માન્યતા મુજબ આસ્થાળુઓનો વિશાળ વર્ગ વહાણવટી-શિકોતર માતાને ડોસલી કે ડોસલા માતાના સ્વરૂપે પૂજન કરતો હોઇ ગામના ડોસલી માતાનો ઇતિહાસ પણ વહાણવટી માતાના ઇતિહાસ જેટલો જ પૌરાણિક છે. જોકે ગામમાં આવેલા ડોસલી માતા અનેક ભાવિકજનોની મનોકામના પૂર્ણ કરતા હોઇ દૈનિક ધોરણે તેમજ વિશેષ કરીને આસો, ચૈત્રી નવરાત્રિમાં માતાજીના દર્શન માટે સ્થાનિક સહિત પરપ્રાંતના અનેક ભક્તો ઉમટી પડી માતાજીના ચરણમાં મસ્તક નમાવી આસ્થાભાવ વ્યક્ત કરે છે.
પેટલાદ – નડિયાદ મુખ્ય માર્ગ પર આવેલા આણંદના પાડગોલ ગામ સ્થિત ડોસલી માતા વહાણવટી માતાનુ સ્વરૂપ હોવાની આસ્થાળુઓની માન્યતા હોઇ વહાણવટી માતા અનેક નામ અને સ્વરૂપોથી પુજાય છે. જેમાં શિકોતર, હરસિદ્ધિ સ્વરૂપે ભાવિકજનો માતાજીની પૂજા કરે છે. વહાણવટી માતાએ સમુદ્રી તોફાન વચ્ચે વેપારીઓની અરજ સુણી તેઓના વહાણ તાર્યા, હરસિદ્ધિ માતા ઉજ્જૈનના પર દુઃખભંજન વિક્રમ રાજાની પડખે રહીને તેમના પ્રજાકલ્યાણના કાર્યોમા વ્હારે આવ્યા. તેવી જ રીતે પાડગોલના ડોસલી માતાને પણ અનેક ભાવિકજનો વહાવણટી માતા તરીકે સંબોધી તેનુ આસ્થાપૂર્વક પૂજન કરતા હોઇ માન્યતા મુજબ ડોસલી માતાનો ઇતિહાસ પણ વહાણવટી માતા સાથે સંકળાયેલો છે. પારિવારિક માંદગી, આર્થિક, શારિરીક-માનસિક મુશ્કેલી, કલહ-કંકાસ, સંતાન પ્રાપ્તિ, વિદેશ ગમન, ઉચ્ચ અભ્યાસ કે જીવનના ત્રિવિધ તાપોથી મુક્તિની કામના માટે અનેક આસ્થાળુઓ પાડગોલના ડોસલી-ડોસલા માતાની બાધા-માનતા રાખતા હોઇ માતાજી પોતાનામા અપાર વિશ્વાસ-ભક્તિ ધરાવનાર ભક્તજનોની મહેચ્છા પરિપુર્ણ કરે છે.
ભાવિકજનો મનોકામના પુર્ણ થતાં દિપ-અગરબત્તી, પ્રસાદી-નૈવેદ્ય, ધાર્મિક ચીજવસ્તુઓ ચઢાવી-અર્પણ કરીને માતાજીનુ ઋણ અદા કર્યાનો સંતોષ અનુભવે છે. ગામમા ચૈત્રી કે આસો નવરાત્રિ, દિવાળી, રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારો દરમ્યાન સ્થાનિક તેમજ અન્ય જિલ્લા કે પર પ્રાંતમાંથી મોટી સંખ્યામા માતાજીના દર્શન માટે ભક્ત સમુદાય ઉમટી પડી દર્શન-પુજન કરીને ધન્ય બને છે.
ગામનો નવરાત્રિ મહોત્સવ વિશ્વખ્યાત
આણંદના પેટલાદના પાળજ, સુણાવ, મહેળાવ, બાંધણી સહિતના ગામોની જેમ પાડગોલ ગામનો નવરાત્રિ મહોત્સવ પણ વિશ્વ પ્રખ્યાત છે. જેમાં અન્ય ગામોની જેમ નવરાત્રિ દરમિયાન નામાંકિત ઓરક્રેસ્ટ્રા ગ્રૂપની સાથો સાથ અગ્રગણ્ય ગુજરાતી ગાયક કલાકારો, ગુજરાતી ફિલ્મ, ટીવી અભિનેતાઓ, અભિનેત્રીઓને ઉપસ્થિત રાખીને નવરાત્રિના રાસ-ગરબાના ભવ્ય કાર્યક્રમો યોજાતા હોઇ નવરાત્રિ ઉત્સવને માણવા-નિહાળવા ચરોતરના અનેક વિસ્તારોમાંથી માનવ મહેરામણ ઉમટી પડે છે.
પાડગોલમા પાટીદાર સમાજ દ્વારા ડીજીટલ વંશાવલી
પાડગોલ ગામના પાટીદાર સમાજ દ્વારા ગામની વહીવંચા-ડીજીટલ વંશાવલી માટે ગત ચોથી ડિસેમ્બર 2022ના રોજ ગામની પટેલ વાડીમાં પ્રોગ્રામનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં વડોદરા સ્થિત કુલ વૃક્ષની ટીમને ઉપસ્થિત રાખીને વંશાવલી તૈયાર કરવાનુ નિર્ધારીત કરાયુ હતું. જેમાં 22 ગામ પાટીદાર સમાજના દરેક વ્યક્તિ, યુવા વર્ગ પોતાના વડીલો, વડવાઓ અને વંશનુ મૂળ જાણી શકે તે રીતે સમગ્ર માહિતી એક જ ડેટાબેઝમાં સંગ્રહિત કરીને ડીજીટલ ધોરણે તૈયાર કરવા માટેની રૂપરેખા ઘડી કાઢવામા આવી હતી.
વિદેશ સ્થિત પરિવારોને લઇને એનઆરઆઇ ગામ તરીકે ઓળખ
ચરોતરના અન્ય સમૃદ્ધ ગ્રામ્ય વિસ્તારોની જેમ પાડગોલ ગામમાથી પણ મોટાભાગના પરિવારોમાંથી કૌટુંબિક સભ્યો અભ્યાસ, નોકરી, ધંધા-વ્યવસાય માટે યુએસએ, યુકે,કેનેડા, ઓસ્ટ્રેલિયા, સ્વીર્ત્ઝલેન્ડ, કેન્યા, જહોનિસબર્ગ, ડરબન સહિતના દેશોમા વસવાટ કરી રહ્યા હોઇ ગામની ઓળખ એનઆરઆઇ ગામ તરીકે પ્રસ્થાપિત થઇ છે. ગામમાં આંગણવાડીથી માંડીને માધ્યમિક કક્ષાનુ શિક્ષણ ઉપલબ્ધ હોવા સહિત ગ્રામ પંચાયત, દુધની ડેરી, નેશનલાઇઝ બેંકો, પટેલ વાડી જેવી મહત્વની સંસ્થાઓ આવેલી હોઇ પાડગોલ વિકાસશીલ ગામની ઓળખ ધરાવે છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી-પશુપાલન ઉપરાંત કેટલાક ગ્રામજનો પોતાની દુકાન, સ્વૈચ્છિક વ્યવસાય કે ખાનગી-સરકારી નોકરીમાં પ્રવૃત્ત છે.