Share Market: શેરબજારમાં મોટા કડાકા વચ્ચે રૂપિયો પણ ડોલર સામે ઓલ-ટાઈમ લો પર પહોંચી ગયો છે. આજે શેરબજાર ખુલતાની સાથે જ અમેરિકી ડોલર સામે રૂપિયો 12 પૈસા ઘટીને 85.06ના સર્વકાલીન નીચા સ્તરે પહોંચી ગયો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું કે, અમેરિકી ફેડરલ રિઝર્વે 2025 માટે પોતાના અનુમાનોને સમાયોજિત કર્યા છે, જે વધુ સાવચેત નાણાકીય નીતિના વલણનો સંકેત છે. તેના કારણે ભારતીય રૂપિયા સહિત ઉભરતા માર્કેટની કરન્સી પર દબાણ પડશે.
રૂપિયો ડોલર સામે 85.00ના તળિયે
ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો નબળા વલણ સાથે ખુલ્યો અને ડોલર સામે 85.00 ના સ્તરે પહોંચી ગયો. આયાતકારોની માંગ, વિદેશી મૂડીનો ઉપાડ અને ડોમેસ્ટિક શેર માર્કેટોમાં નરમ વલણ વચ્ચે રોકાણકારોની ધારણા પ્રભાવિત થઈ અને તે અમેરિકન ચલણ સામે 85.06 પ્રતિ ડોલરના સર્વકાલીન નીચલા સ્તર પર આવી ગયો. જે છેલ્લા બંધ ભાવથી 12 પૈસાનો ઘટાડો દર્શાવે છે. બુધવારે રૂપિયો અમેરિકન ડોલરની સામે 84.94 પર બંધ થયો હતો.
ડોલરમાં ઉછાળો
આ વચ્ચે છ પ્રમુખ ચલણો સામે યુએસ ડોલરની સ્થિતિને દર્શાવનાર ડોલર ઈન્ડેક્સ 0.01 ટકાના વધારા સાથે 108.03 પર રહ્યો હતો. ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ 0.42 ટકાના ઘટાડા સાથે 73.08 ડોલર પ્રતિ બેરલના ભાવ પર રહ્યો. શેરબજારના ડેટા પ્રમાણે વિદેશી સંસ્થાકીય રોકાણકાર (FII) બુધવારે વેચાણકર્તા રહ્યા હતા અને કુલ રૂ. 1,316.81 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.