સ્ટાફ સાથે ગેરવર્તણુક કરી વાહનો લઈ નાસી ગયેલા ૧૩ શખ્સ સામે ગુનો દાખલ થયેલો
જો જામીન આપવામાં આવે તો સમાજમાં ખોટો મેસેજ જશે : સરકારી વકીલ
ભાવનગર: ગારિયાધાર તાલુકાના ગુજરડા ગામની સીમમાં આવેલી શેત્રુંજી નદીના પટમાંથી હોડી મારફત ગેરકાયદે સાદી રેતીની ચોરી કરવાના કેસમાં ૧૩ પૈકીના ૬ શખ્સે ભાવનગર કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરતા કોર્ટે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તમામ શખ્સના આગોતરા નામંજૂર કર્યા હતા.
જાણવા મળ્યા મુજબ ગારિયાધારના ગુજરડા ગામની હદમાં આવતી શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં ગત તા.૨૭-૧૦ના રોજ બોટાદ અને ભાવનગર ભુસ્તરશાસ્ત્રીની કચેરીની ટીમે દરોડો પાડી તપાસ કરતા શેત્રુંજી નદીમાંથી બે યાંત્રિક બોટ/નાવડી અને બે મોટી ફાઈબર બોટ વડે સાદીરેતી ખનીજનું ખનન કરી જેસીબીથી ટ્રકોમાં રેતી ભરવામાં આવી રહી હતી. જેથી ખાણ ખનીજ વિભાગની ટીમે ટ્રકો, જેસબી સહિતના વાહનોની ચાવીઓ કબજે લઈ ફોટોગ્રાફી કરી હતી. દરમિયાનમાં ભાવનગર ખાણ ખનીજ વિભાગની ટીમ અને પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચે તે પહેલા વાહનચાલકો અને વાહનમાલિકોએ સ્ટાફ જોડે ગેરવર્તણૂક કરી તમામ મશીનરી તેમજ એક ફાઈબર બોટ હંકારી નાસી ગયા હતા. આ બનાવ અંગે ભાવનગર ભુસ્તર વિજ્ઞાાન અને ખનીજ ખાતાના રોયલ્ટી ઈન્સ્પેક્ટર એ.કે.ઠાકોરે ગત તા.૨૬-૧૧ના રોજ ચેતન મનોજભાઈ પરમાર (રહે, સમઢિયાળા, તા.ગારિયાધાર), રણજીતસિંહ સનુભા સરવૈયા (રહે, કાત્રોડી, તા.જેસર), કલ્પેશ જેરામભાઈ ડોબરિયા (રહે, પીપોદરા, તા.માંગરોળ, જિ.સુરત), દિનેશ લખુભાઈ કામળિયા (રહે, સરેરા, તા.મહુવા), પ્રશાંત સુરેશભાઈ કલાણી (રહે, પ્લોટ નં.૨૦૮, શિવશક્તિ રેસીડેન્સી, ફુલસર), દિગપાલસિંહ નીતુભા સરવૈયા (રહે, અયાવેજ, તા.પાલિતાણા), ઈનુસ ઉસ્માનભાઈ મહેતર (રહે, જેસર), દેવેન્દ્રસિંહ સુજાનસિંહ સરવૈયા (રહે, રાજપરા, તા.જેસર), બચુ ભીખાભાઈ ઉલવા (રહે, ભરવાડ શેરી, જેસર), મેહુર ભીખાભાઈ ઉલવા (રહે, ભરવાડ શેરી, જેસર), મનસુખ અરજણભાઈ પરમાર (રહે, રાધાકૃષ્ણ મંદિરની બાજુમાં, ઘેટી રોડ, પાલિતાણા), જીવા ચાડ (રહે, જેસર) અને રમેશ લાખાભાઈ પારઘી સહિતના શખ્સો સામે ગારિયાધાર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની કલમ ૩૦૩, ૫૪, ૧૩૨, ધ માઈન્સ એન્ડ મિનરલ્સ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એક્ટ, ૧૯૫૭ની કલમ ૪ (૧), ૪ (૧) એ, ૨૧ અને ગુજરાત ખનીજ (ગેરકાયદેસર ખાણકામ હેરફેર અને સંગ્રહ નિવારણ અધિનિયમ) નિયમો-૨૦૦૫, ૨૦૧૬, ૨૦૧૭ની કલમ ૨૧, ૩, ૧૨ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
દરમિયાનમાં આ કેસમાં જેની સામે આરોપનામું મુકાયું છે તે છ શખ્સ પ્રશાંત કાલાણી, દિગપાલસિંહ સરવૈયા, ઈનુસ મહેતર, દેવેન્દ્રસિંહ સરવૈયા, બચુ ઉલ્વા અને મેહુલ ઉલ્વાએ તેમના વકીલ એ.એચ.ઝાલા મારફત સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેશન્સ જજ-ભાવનગરની કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી. જે અરજીની ગત ૧૯મીએ સુનવણી થતાં જિલ્લા સરકારી વકીલ એમ.આર. જોષીની ધારદાર દલીલો, રજૂઆતો તેમજ જો અરજદારોને આગોતરા આપવામાં આવે તો સમાજમાં ખોટો મેસેજ જઈ શકે, તમામ લોકો મોટા માથાના છે અને ખનીજચોરીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત આગોતરા મંજૂર થાય તો ફરિયાદી પક્ષના સાક્ષીઓને ધમકી આપી શકે, પુરાવાઓને અવરોધી શકે તેમ હોય જેથી આગોતરા જામીન અરજી નામંજૂર કરવા રજૂઆત કરી હતી. બન્ને પક્ષે થયેલી રજૂઆત અને દલીલોને અંતે વિદ્વાન ન્યાયમૂર્તિ એમ.પી. મહેતા (સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેશન્સ જજ-ભાવનગર)એ ઉપરોક્ત શખ્સોની આગોતરા જામીન અરજી ફગવી દીધી હતી.