Gurucharan Singh : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીનો રોલ ભજવીને ફેમસ થયેલો ગુરુચરણ સિંહ ની તબિયત હાલ ખરાબ છે. હાલ તે હોસ્પિટલમાં ભરતી છે. હવે ગુરચરણ સિંહની મિત્ર ભક્તિ સોનીએ તેની હેલ્થને લઇને અપડેટ આપ્યું છે. તેના મતે ગુરુચરણ સિંહે 19 દિવસથી પાણી પણ પીધું નથી.
થોડા દિવસ પહેલા ગુરુચરણે હોસ્પિટલમાંથી એક વીડિયો શેર કર્યો હતો, જેને જોઈને તેમના પ્રશંસકો ખૂબ જ દુખી થઇ ગયા હતા. હવે તેની મિત્ર ભક્તિ સોનીએ જણાવ્યું કે તેની હાલત ખૂબ જ ખરાબ છે અને 13-14 જાન્યુઆરી સુધીમાં ખબર પડી જશે કે તે આ દુનિયામાં છે કે નહીં?
શું ગુરુચરણ સિંહે મૃત્યુની ભવિષ્યવાણી કરી?
આ વાંચીને તમને અજીબ લાગશે, પરંતુ તમને જણાવી દઇએ કે આ ખુદ ગુરુચરણના શબ્દો છે. ભક્તિએ કહ્યું હતું કે ગુરુચરણ અધ્યાત્મના માર્ગે આગળ નીકળી ગયો છે અને તેણે ખાવા-પીવાનું બંધ કરી દીધું છે. ભક્તિએ કહ્યું કે મને કહેવામાં આવ્યું હતું કે 13 કે 14 જાન્યુઆરીએ મને સમજમાં આવી જશે કે તે આ ધરતી પર રહેશે કે નહીં રહે. આ તેમના શબ્દો હતા.
ભક્તિએ કહ્યું છે કે ગુરુચરણ ગુમ થયા બાદ પાછા ફર્યા ત્યારથી જ જમવાનું બંધ કરી દીધું હતું અને હવે તેઓ 19 દિવસથી પાણી પી રહ્યા નથી. ગુરુચરણે ઈન્સ્ટાગ્રામ પર જે વીડિયો શેર કર્યો છે તેમાં તે હાથમાં આઈવી ડ્રીપ પહેરીને કહેતો જોવા મળી રહ્યો છે કે તેની તબિયત સારી નથી. હવે તેની ખાસ મિત્ર ભક્તિ સોનીએ અભિનેતાની તબિયત વિશે અપડેટ આપી છે.
આ પણ વાંચો – રામ ચરણ એક સફળ ગેમ ચેન્જર અભિનેતા: જાણો અંગત જીવન અને અભિનય કારકિર્દી
ગુરચરણ સિંહ 26 દિવસ બાદ ઘરે પરત ફર્યો હતો
ગુરુચરણ સિંહ થોડા મહિના પહેલા જ ઘરેથી નીકળી ગયો હતો અને 26 દિવસ બાદ પરત ફર્યો હતો. આટલા દિવસો સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હોતો. પરત ફર્યા બાદ ગુરચરણ સિંહે બોમ્બે ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં બધી જ વાત કહી હતી. તેણે કહ્યું હતું કે કોરોના વાયરસથી ફેલાયેલી મહામારી બાદથી ઘણી ચીજો ખરાબ થઇ છે. ત્યાર બાદ તે મુંબઈ છોડીને પિતા સાથે રહેવા ગયો હતો અને તેના પિતાની સર્જરી પણ કરાવી હતી. તે પોતાનો બિઝનેસ શરુ કર્યો હતો પણ તે પણ ચાલ્યો ન હતો. ધંધામાં તેની સાથે છેતરપિંડી થઈ હતી અને તેની સંપત્તિ અંગે પણ વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે તેમની આર્થિક સ્થિતિ ખરાબ થઇ રહી છે. આ બધાથી પરેશાન થઇને તેનો ભગવાન તરફ ઝુકાવ થયો હતો અને તે સંન્યાસી બનવા માટે નીકળી ગયો હતો.
ભગવાને આપ્યો હતો સંકેત
ગુરુચરણે કહ્યું કે તેનો ઘરે પાછા ફરવાનો કોઈ ઇરાદો ન હતો. પરંતુ ભગવાનના સંકેત પછી તે પાછા ફર્યો હતો. ગુરુચરણે કહ્યું હતું કે તે તેના પરિવારના તમામ દેવા ચૂકવવા માંગે છે અને તેના માટે ઘણા પૈસા કમાવવા માંગે છે. હાલ તો તેના પ્રશંસકો ઘણા પરેશાન છે અને તેના સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.