આણંદ: દિવાળી બાદ ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીની સિઝન દરમિયાન લોકો દ્વારા એક્સરસાઇઝ અને યોગ કરવામાં આવતા હોય છે. આ ચાર મહિના લોકો વિવિધ પ્રકારના યોગ અને એક્સરસાઇઝ કરીને પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવતા હોય છે. શિયાળાની સિઝન સારા આરોગ્ય માટે શ્રેષ્ઠ છે. શિયાળામાં લોકો કસરત અને યોગ કરતા હોય છે. શિયાળામાં કરેલ કસરત અને યોગ વર્ષભર ઉર્જા પ્રદાન કરે છે. આ ઋતુમાં ઠંડીના કારણે શરીરને ગરમાવો મળે તેવી એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. જેથી આજે આપણે શિયાળામાં શરીરને ગરમાવો મળે તેવા યોગ અંગે યોગ આચાર્ય પાસેથી કેટલાક યોગાસન વિશે જાણીશું.
શિયાળામાં આ યોગ કરવાથી થશે ફાયદો
આ અંગે યોગ આચાર્ય ડો. જયના પાઠકે જણાવ્યું હતું કે, શિયાળાની ઋતુમાં કઈ પ્રકારના યોગ અને સૂક્ષ્મ પ્રક્રિયા કરવી જેથી કરીને આપણું શરીર તંદુરસ્ત રહે જેમાં સૌપ્રથમ આપણા શરીરમાં 206 જેટલા હાડકાંઓ આવેલા છે. યોગાસન બધા જ હાડકાને જોડવા માટે અલગ અલગ જોઇન્ટ પણ આવેલા છે. આ સિવાય સાંધાને મજબૂત બનાવવા માટે બેઠા બેઠા વિવિધ પ્રકારના યોગ કરી શકાય છે. જેમાં સૌપ્રથમ દંડાસનની સ્થિતિમાં બેસીને પગની આંગળીઓને હલાવવાનું છે. તેવી જ રીતના પગના પંજા, ઘૂંટણ, ખભા, ગરદન, હાથના સાંધા વગેરેને પાંચથી છ વખત હલાવીને આપણા સાંધાને મજબૂત તથા લચીલા બનાવી શકાય છે. આ સૂક્ષ્મ પ્રક્રિયાના યોગ લોકો બેસીને પણ કરી શકતા હોવાથી જેમને ઉભા થવામાં તકલીફ પડતી હોય તેઓ આરામથી કરી શકે છે. આ ઉપરાંત જુવાન વ્યક્તિ અને સાથે સાથે કૂદકા મારીને પોતાના બોડીને એનર્જેટિક કરી શકે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વાત થઈ સૂક્ષ્મ પ્રક્રિયાની, ત્યારબાદ સૌથી મહત્વના સૂર્ય નમસ્કાર ઠંડીની ઋતુમાં કરવા જોઈએ. સૂર્ય નમસ્કાર કરવાથી સૂર્ય જેવું તેજ અને ગરમી મળે છે. આ સૂર્ય નમસ્કાર ત્રણથી લઈને 101 જેટલા કરી શકાય છે. સૂર્ય નમસ્કાર નાના બાળકોથી લઈને મોટા સુધી દરેક લોકો કરી શકે છે.
શરીરમાં ગરમાવો આપવા કરો આ યોગ
વધુમાં આપણે વાત કરીશું એવા વ્યાયામની જે કરવાથી શરીરમાં ગરમાવો થઈ જાય છે. જે વ્યક્તિ પાસે ઓછો સમય છે અને એક્સરસાઇઝ કરવી હોય તેમના માટે આ ખૂબ જ ઉપયોગી છે. જેમાં સૌપ્રથમ શવાસનમાં સૂઈને પોતાના બંને પગ ઉપર સીધા રાખવાના છે. જેને અર્ધ હલાસન તરીકે ઓળખવામાં આવે છે જેનાથી પાચનતંત્ર અને શ્વાસની પ્રક્રિયા મજબૂત થાય છે. ત્યારબાદ આ બંને પગને પાછળના ભાગે લઈને કમરથી ઉપર થવાનો છે. આ બધા જ યોગ કરવાથી 10 જ મિનિટમાં ઠંડી દૂર થઈને ગરમાવો મળી જાય છે. અંતે શવાસનમાં થોડી વખત શરીરને આરામ આપવાનો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર