આણંદ: દિવાળી બાદ ઠંડીની શરૂઆત થતાં જ શરદી, ખાંસી, તાવ જેવા વાયરલ જોવા મળતા હોય છે. હાલ ઠંડકનો અહેસાસ થતાં અનેક એવા કેસ જોવા મળી રહ્યા છે. આ ઋતુમાં મોટાભાગે વાયરલ ઇન્ફેક્શન ફેલાતા હોય છે. જે દરમિયાન કાળજી ન રાખતા મોટી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં ન્યુમોનિયા જેવી બીમારી જોવા મળતી હોય છે. જેથી આજે આપણે આ વાયરલથી બચવાના કેટલાક ઉપાયો જાણીશું.
આ અંગે સી.ડી.એચ.ઓ ડો.રાજેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે ઋતુ બદલાતા શરદી,ખાંસી જેવા કેસ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ એક પ્રકારનું વાયરસથી ફેલાતો રોગ છે. આપણે અગાઉ પણ જોયું હતું કે, કોરોના કાળ દરમિયાન શરદી,ખાંસી દ્વારા એકબીજાને ચેપ લાગી રહ્યો હતો. ખાસ કરીને અલગ અલગ પ્રકારના વાયરસ હોય છે. જેને અનુકૂળ વાતાવરણ મળતા તે ફેલાતા હોય છે. જેમાં કોરોના, સ્વાઈન ફ્લૂ વગેરે જેવા વાયરસનો સમાવેશ કરી શકાય છે.
આ કામ કરવાથી બગડી શકે છે પરિસ્થિતિ
આ બધા જ વાયરસ અનુકૂળ વાતાવરણ મળતા ખૂબ જ વધુ પ્રમાણમાં ફેલાય છે. આ બધામાં સામાન્ય લક્ષણ શરદી,ખાંસીના જ જોવા મળતા હોય છે. આ પરિસ્થિતિમાં જો ધ્યાન ન રાખવામાં આવે, જાતે ઘરે જ સારવાર અથવા તો કોઈ પણ મેડિકલ સ્ટોરથી દવા લઈને સારવાર લેવામાં આવે તો, ઘણી વખત પરિસ્થિતિ બગડવાની શક્યતા રહેલી છે. આ વાયરસથી બચવા માટે યોગ્ય ડોક્ટરની સારા પ્રમાણે દવા લેવી જોઈએ. આ ઉપરાંત અમુક સાવચેતીના પગલાં પણ લેવા જોઈએ.
વાયરસથી બચવા આટલું રાખજો ધ્યાન
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વાયરસથી બચવા માટે સાવચેતીના પગલાં રૂપે જે વ્યક્તિને ખાસી શરદી થઈ હોય, તેમણે માસ્ક પહેરવું જોઈએ, વારંવાર હાથ ધોવા જોઈએ અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. જ્યારે વાયરસ ફેલાતું હોય તે સમયે ખાસ કરીને ડાયાબિટીસ, કેન્સર, હાઈપર ટેન્શન, ફેફસાની બીમારી, હૃદયની બીમારી વાળા લોકોએ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત વૃદ્ધો અને નાના બાળકોમાં પણ આ વાયરસ ફેલાય અને તે અંગે ધ્યાન ખૂબ જ રાખવું જોઈએ. આ લોકોને વાયરસ જલદી લાગવાની શક્યતા રહે છે અને પરિસ્થિતિ બગાડવાની પણ શક્યતા રહે છે. આ લોકોએ જ્યારે આવી ઋતુ ચાલતી હોય તે સમયે ખાસ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. સાથે પોતાની જાતને પણ સાફ રાખીને વારંવાર હાથ ધોવા જોઈએ અને સ્વચ્છતા રાખવી જોઈએ.
બાળકોનું ધ્યાન ન રાખતા થઈ શકે છે ન્યુમોનિયા
આ અંગે તેમણે જણાવ્યું હતું કે, નાના બાળકોમાં શરદી ખાંસી પહેલી વખત થતી હોય છે, તે સમયે તેમની ઇમ્યુનિટી સિસ્ટમ એટલી બધી સ્ટ્રોંગ હોતી નથી. આથી જ જો ધ્યાન ન રાખવામાં આવે તો ન્યુમોનિયા જેવી બીમારી થવાની શક્યતા પણ રહે છે જેમાં ધ્યાન ન રાખવા પણ ઘણી વખત મૃત્યુ થવાના કેસ પણ જોવા મળતા હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર