- શિક્ષિકા પ્રેમજાળમાં ફસાઈ નહીં તો વિદ્યાર્થીઓને ફેલ કરવાનો ડર બતાવી કાંડ કર્યો
- શિક્ષિકાઓએ હિંમત બતાવી પોલીસ ફરિયાદ કરી
- લંપટ શિક્ષકે શિક્ષિકાનો અનેકવાર પીછો પણ કર્યો
મહુડીની એક સ્કૂલના શિક્ષકે સહકર્મી શિક્ષિકાને પ્રેમ જાળમાં ફસાવવા તમામ હદો વટાવી દીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શિક્ષિકા તાબે ન થતા આ લંપટ શિક્ષકે શાળાની તમામ શિક્ષિકાઓને બદનામ કરવાના ઇરાદે તેમના બીભત્સ પોસ્ટરો લગાવ્યા હોવાની હરકતે હડકંપ મચાવી દીધો છે. શિક્ષિકાઓને બદનામ કરવાની આ નીચલી પાયરીની પ્રવૃત્તિ છેલ્લા પાંચેક વર્ષથી ચાલતી હતી. તપાસ કરતા શાળાના લંપટ શિક્ષકે જ વિદ્યાર્થીઓ પાસે આ પોસ્ટરો લગાવડાવ્યા હોવાનું માલુમ પડતા શિક્ષિકાએ માણસા પોલીસ સ્ટેશને શિક્ષકની વિકૃત હરકતો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના મહુડી ખાતે શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. શાળાના શિક્ષકે જ શિક્ષિકા બહેનોના બિભત્સ પોસ્ટરો જાહેરમાં ચોંટાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ, મનોવિકૃત શિક્ષક અશોકભાઈ આત્મારામ પ્રજાપતિ છેલ્લા પાંચેક વર્ષથી પોતાની શાળાની જ એક શિક્ષિકાના એક તરફે પ્રેમમાં પાગલ હતો. આ લંપટ શિક્ષકે આ શિક્ષિકાનો અનેકવાર પીછો પણ કર્યો છે. પોતાની પ્રેમજાળમાં ફસાવવા તે દાણા ફેંકતો રહ્યો. પોતાનો પ્રેમ સંબંધ સ્વીકારવા તે શિક્ષિકાને સતત દબાણ કરતો હતો. પરંતુ શિક્ષિકા તેના તાબે થતી નહતી. તેની અદાવત રાખી આ લંપટ શિક્ષકે આ તમામ શિક્ષિકાઓને બદનામ કરતી પત્રિકાઓ છપાવી હતી અને વિતરણ કરાવી હતી. આરોપી શિક્ષક અશોક પ્રજાપતિએ શાળાના વિદ્યાર્થીઓનો આ માટે ઉપયોગ કર્યો. એક મહિના અગાઉ આરોપી શિક્ષકે વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો ડર બતાવ્યો, અને જો મદદ કરશો તો અભ્યાસમાં આગળ મદદ કરવાની લાલચ આપી શિક્ષિકાઓના બિભત્સ ફોટા વિદ્યાર્થીઓ પાસેથી દિવાલો પર લગાવડાવ્યા હતા.