આણંદ: ચોમાસા દરમિયાન વિવિધ પ્રકારના વેલાવાળા શાકભાજી જેવા કે, તુરીયા, ગલકા, ટીંડોળા, કંકોડા, કારેલા, કોળું જેવા શાકભાજીની ખેતી કરવામાં આવતી હોય છે. ચોમાસાથી ઋતુ દરમિયાન ભરપૂર પ્રમાણમાં થતી હોવાના કારણે લગભગ દરેક જગ્યાએ વેલાવાળા શાકભાજીની ખેતી કરવામાં આવતી હોય છે. જો કે, આ પાકમાં વિવિધ પ્રકારના જીવાત અને રોગ પણ વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. જે પાકનો નાશ અથવા પાકને નુકસાન પહોંચાડતા હોય છે.
ચોમાસામાં થતી વેલાવાળી શાકભાજીમાં કાળા અને લાલ મરીયા નામના જીવાત મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે. જે ખાસ કરીને વરસાદના કારણે પાકમાં આવીને તેના ફળનો નાશ કરી દેતા હોય છે. આ ઢાલીયા પ્રકારના જીવડા પાક ઉગાડવાથી લઈને ઉત્પાદન મળી જાય ત્યાં સુધી નુકસાની પહોંચાડતા હોય છે. જેથી આપણે કૃષિ વૈજ્ઞાનિક પાસેથી આ જીવાતના નિયંત્રણ માટે લેવામાં આવતા જરૂરી પગલા વિશે જાણીશું.
આ જીવાત છોડના થડ પાસે જમીન ઉપર મૂકે છે ઈંડા
આ અંગે કૃષિ વૈજ્ઞાનિક ડો. સી. કે. બોરડે જણાવ્યું હતું કે, ‘‘વેલાવાળા શાકભાજીમાં ખાસ કરીને લાલ અને કાળા મરીયા પાકની શરૂઆતથી અંત સુધી તેનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. લાલ કલરના આ જીવાત ઉપર કાળા કલરના પટ્ટા જોવા મળતા હોય છે. ઢાલીયા પ્રકારની આ જીવાત છોડ ઉગતાની સાથે જ ઉપદ્રવ મચાવવાની શરૂઆત કરતી હોય છે. આ જીવાત દ્વારા છોડના થડ પાસે જમીન ઉપર ઈંડા મૂકતા હોય છે. જેમાંથી ઇયળ બહાર નીકળીને ધીમે ધીમે છોડની ડાળીને નુકસાન પહોંચાડે છે. જેના કારણે પત્તામાં ફૂગ જેવું બની ગયા બાદ છોડ સુકાઈ જાય છે. આ ઉપરાંત ફળ પણ નાશ પામે છે. આથી જ આના ઉપદ્રવને ઘટાડવો ખૂબ જ જરૂરી હોય છે. આ જીવાત ઈંડા મૂકવાની પદ્ધતિને છેક સુધી ચાલુ રાખે છે.’’
કાળા અને લાલ મરીયાનો ઉપદ્રવ આ રીતે કરો નિયંત્રિત
-
આ જીવાતને નિયંત્રણમાં રાખવા માટે પાક ઉગાડતા પહેલા ઊંડી ખેડ કરવી જોઈએ. જેથી કરીને તેમાં રહેલ જૂના ભાગના અવશેષ નાશ પામે અને મરીયાને આકર્ષતા રોકે છે.
-
જ્યારે પણ વાવેતર કરવાની શરૂઆત કરવાની હોય તે, સમયે બીજને પટ આપવો ખૂબ જ જરૂરી છે.
-
કૃષિ નિષ્ણાત દ્વારા સજેસ્ટ કરવામાં આવેલ દવાનો પટ આપીને બીજનું વાવેતર કરવું જોઈએ.
-
જ્યારે છોડ બહાર નીકળે છે તે સમયે તેના મૂળ પાસે જમીનમાં મરીયા ઈંડા ન મૂકે તેના માટે જે તે દવાનો છંટકાવ કરવો જોઈએ. જેથી કરીને આ જીવાતને નિયંત્રણમાં રાખી શકાય છે.
-
વાવેતર કરતા સમયે વહેલી ખેડ અને મોડું વાવેતર કરવું જોઈએ.
-
આ જીવાતના ઉપદ્રવને દૂર કરવા માટે સૌથી ઉત્તમ આંતર પાક ખેતી છે. જેમાં ખેડૂતો બ્રોકલી અને મકાઈ જેવા પાકને કરી શકે છે. આના થકી પણ જીવાતનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર