- ગોલ્ડ લોનના કર્મચારીઓએ કર્યું કૌભાંડ
- વેરાવળની એક્સિસ બેંકમાં ગેરરીતિ
- બ્રાંચ મેનેજરે ફરિયાદ નોંધાવી
વેરાવળમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં સવારે એક્સિસ બેંકની બ્રાંચમાં બેંકના જ કર્મચારીઓએ 12થી 15 કરોડનું કૌભાંડ કરી નાંખ્યું હોવાની જાણકારી સામે આવી હતી. હવે આવેલી નવી માહિતી પ્રમાણે આ કૌભાંડમાં એક મહિલા સહિત 3 કર્મચારીઓ સામેલ છે. જેમાં ગોલ્ડ લોન વિભાગના સેલ્સ મેનેજર માનસિંગ ગઢિયા, વિપુલ રાઠોડ અને પિંકીબેન ખેમચંદાણી મુખ્ય આરોપી છે અને આ તમામની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વેરાવળમાં એક્સિસ બેંકના ગ્રાહકો માટે એક મોટા ખરાબ સમાચાર સામે આવ્યા હતા. સૂત્રોની જાણકારી પ્રમાણે અહીં બેંકના 3 કર્મચારીઓએ ગેરરીતિ આચરી હોવાનું જાણવા મળ્યું હતુ. ગોલ્ડ લોનના જ સ્ટાફ સેલ્સ મેનેજર માનસિંગ ગઢિયા, વિપુલ રાઠોડ અને પિંકીબેન ખેમચંદાણી આ મામલામાં મુખ્ય આરોપી છે.
જાણકારી પ્રમાણે અંદાજિત 12થી 15 કરોડ રૂપિયા સુધીની ગેરરીતિ આચરવામાં આવી છે. હાલ આ ઘટના સામે આવ્યા પછી એક્સિસ બેંકના સિનિયર મેનેજમેન્ટ અને ગ્રાહકોમાં પણ સોપો પડી ગયો છે. ઘટનાની જાણ મળતાં જ ઉચ્ચ અધિકારીઓ બ્રાંચમાં દોડી આવ્યા હતા. જેની તપાસમાં હાલમાં પ્રારંભિક તબક્કે 2 કરોડ રૂપિયાના 2 કિલો 746 ગ્રામ સોનાની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે તપાસમાં પ્રથમ 6 પાઉચમાં જ 2 કરોડની ઉચાપત સામે આવી છે. હજુ અન્ય પાઉચની તપાસમાં દસેક દિવસ લાગશે. ઉચાપતનો આંક 12થી 15 કરોડને આંબે તેવી શક્યતાઓ છે. પોલીસે ત્રણેય વિરુદ્ધ આઈ.પી.સી ની કલમ 409,406,420,465,467,468,અને120 B મુજબ ગુન્હો દાખલ કર્યો છે.
આ મામલે જાણ મળતાં જ પોલીસને જાણ કરી દેવામાં આવી હતી અને પોલીસ દ્વારા પણ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જો કે હજુ કુલ કેટલા રુપિયાની ગેરરીતિ થઈ છે તેની તપાસમાં જ 10 દિવસ જેટલો સમય લાગે તેવી આશંકા છે, પરંતુ હાલ ઘટનાની ગંભીરતાને જોતાં બેંકના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ દ્વારા આ ઘટનાની વિસ્તૃત તપાસ આરંભી દેવામાં આવી છે.