- 5 વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો
- ગ્રામજનો એકઠા થઈ જતા દીપડો બાળક મુકી નાસી ગયો
- ઉકડીયા ગામના વાડી વિસ્તારમાં બની ઘટના
રાજ્યમાં દીપડાનો ત્રાસ વધી રહ્યો છે. જેમાં હવે એક બાળકનો દીપડાએ ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. વેરાવળ તાલુકાના ઉકડીયા ગામે વાડી વિસ્તારમાં મકાનના ફળિયામાં રમી રહેલા ચાર વર્ષના બાળક પર દીપડએ હુમલો કરી ઉઠાવી ગયો હતો. જે પછી ગંભીર હાલમાં બાળક મળી આવ્યું પરંતુ સારવાર પૂર્વે જ જીવ ગુમાવ્યો હતો.
આ અંગેની માહિતી અનુસાર, વેરાવળ તાલુકાના ઉકડીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા ઉમેદભાઈ પીઠીયાનો ચાર વર્ષનો પુત્ર અક્ષય સમી સાંજે મકાનના ફળિયામાં રમતો હતો. ત્યારે સાંજના સાતેક વાગ્યાના સુમારે અચાનક દીપડો આવી ચડ્યો હતો અને બાળકને ઉઠાવી નાસી છૂટ્યો હતો.
જે પછી ગ્રામજનો એકઠાં થઈ જતા બાળકની શોધખોળ આદરી હતી. અંદાજે એકાદ કલાકની જહેમત બાદ બાળક નજીકના વોકળા વિસ્તારમાં બોરડીની જાળીમાં ઇજાગ્રસ્ત સ્થિતિમાં મળી આવ્યો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પૂર્વે રસ્તામાં જ બાળકે દમ તોડી દીધો હતો અને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.
વન વિભાગે પાંજરા ગોઠવ્યા
આ ઘટના અંગે વન વિભાગની થતાં વન વિભાગની રેસ્ક્યૂ ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને માનવ લોહી ચાખી ગયેલા દીપડાને પાંજરે પુરવા માટે વન વિભાગ દ્વારા તાબડતોબ ચાર જેટલા પાંજરાઓ આ વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યા છે. દીપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ ચાર વર્ષના માસુમ બાળકના મૃત્યુના પગલે પરિવારજનો અને ગ્રામજનોમાં ઘેરા શોક જોવા મળી રહ્યો છે.