- વેરાવળ એક્સિસ કેસમાં કાર્યવાહી
- પોલીસે ગોલ્ડ લોન કર્મચારીઓની કરી ધરપકડ
- સેલ્સ મેનેજર સહિત 2 સ્ટાફની થઈ ધરપકડ
વેરાવળની એક્સિસ બેન્કમાં કરોડોની ગેરરીતિ આચરાઈ હોવાની ફરિયાદમાં પોલીસ દ્વારા સમગ્ર કૌભાંડના માસ્ટર માઈન્ડ માનસિંગ ગઢીયા, વિપુલ રાઠોડ અને પીન્કી ખેમચંદાણીની ધરપકડ કરવામાં આવી છે.
મહત્વનું છે કે એક દિવસ પહેલા વેરાવળ શહેરમાં આવેલા એક્સિસ બેન્કના ગોલ્ડ લોન વિભાગના કર્મચારીઓએ ભેગા મળીને કરોડો રૂપિયાની ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતા બેન્કના ગ્રાહકો અને મેનેજમેન્ટમાં સોપો પડી ગયો હતો. એક્સિસ બેંકના ઉચ્ચ અધિકારીઓ વેરાવળ દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. આ મામલે પછીથી ગોલ્ડ લોન વિભાગના સેલ્સ મેનેજર અને બે કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમને પોલીસે ઝડપી લીધા છે. ત્યારે આ મામલે વધુ તપાસ ચાલુ છે અને તેમાં વધુ આરોપીઓ સહિત કૌભાંડની રકમમાં પણ વધારો થાય તેવી શક્યતા છે.
ત્રણ કર્મચારીઓની ધરપકડ
આ કેસમાં પોલીસના મતે મુખ્ય માસ્ટર માઈન્ડ એવા માનસિંગ ગઢીયા તેમજ વિપુલ રાઠોડ અને પીન્કી ખેમચંદાણી આ ત્રણેયે મળી અને પૂર્વ આયોજિત રીતે આ ગેરરીતિ આચરી છે. મહત્વનું છે કે માનસિંગ ગઢિયા આ બ્રાંચમાં ગોલ્ડ લોનનો સેલ્સ મેનેજર હતો અને વિપુલ રાઠોડ અને પિન્કી ખેમચંદાણી તેની સાથે હતા. પોલીસે આ ત્રણેય વિરુદ્ધ આઈ.પી.સી ની કલમ 409,406,420,465,467,468,અને120 B મુજબ ગુન્હો દાખલ કર્યો છે. જાણકારી પ્રમાણે માનસિંગ ગઢિયા શેરબજારનો મોટો ખેલાડી છે અને શેરબજારમાં જ કરોડો ગુમાવી ચૂક્યો છે.
12થી 15 કરોડની ગેરરીતિની આશંકા
હાલના તબક્કે 2 કરોડના 2 કિલો 746 ગ્રામ સોનાની ઠગાઈ સામે આવી છે. જયારે ગોલ્ડ લોનના 426 પાઉચની તપાસ હજુ ચાલુ છે. પ્રથમ 06 પાઉચની તપાસમાં જ 2 કરોડની ઉચાપત સામે આવી છે અને હજુ અન્ય પાઉચની તપાસમાં દસેક દિવસ લાગશે. તેમજ ઉચાપતનો આંક 12થી 15 કરોડને આંબે તેવી શક્યતા છે. ગોલ્ડ લોન બ્રાન્ચના સેલ્સ મેનેજર માનસિંગ ગઢીયા, વિપુલ રાઠોડ અને પિન્કીબેન ખેમચંદાની આરોપી તરીકે પોલીસે ધરપકડ કરી છે.
ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી
પોલીસની જાણકારી પ્રમાણે આ કર્મચારીઓની મોડસ ઓપરેન્ડી પણ ચોંકાવનારી છે. ત્રણે કર્મચારીઓ જે કોઈ ગ્રાહક ગોલ્ડ લોન લેવા બેંકમાં આવે તેને નિયમ પ્રમાણે ગોલ્ડ લોન આપી અને તેમના સોનાના દાગીનાનું ઓડિટ થયા પછી વેરિફિકેશન કર્યા બાદ સોનાના પાઉચમાંથી અસલ દાગીના બહાર કાઢી લઈ તેમાં નકલી દાગીના મૂકી દેતા હતા અને ફરી પાછા સાચા દાગીનાની લોન ડમી ગ્રાહકો ઊભા કરી અને ફરી તેના નામે એ જ દાગીના પર લોન મેળવતા હતા. આમ એક જ સોના પર અનેક વાર લોન લઈ બેંકને ચૂનો લગાવતા હતા. જો કોઈ લોન ચૂકવી દાગીના પરત લેવા આવે તો તેમને ફરી એ જ પાઉચમાં સાચા દાગીના મૂકી લોન પૂરી કરતા હતા.
આ ઘટનાક્રમ કેટલા સમયથી ચાલુ હતો તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી. પરંતુ આ ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે એક્સિસ બેન્કમાં સરપ્રાઈઝ ઓડિટ કરાતા પાઉચમાં રાખેલા દાગીના શંકાસ્પદ રીતે ઓછા વજનના અને નકલી જણાયા હતા. બેન્ક મેનેજર રામ સોલંકી દ્વારા વેરાવળ પોલીસમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.