- ફરજ પરના કર્મચારીએ વડોદરાના પ્રવાસીઓને વનમાં પ્રવેશવા ન દેતા રોષ
- બાળકો વનમાં હાજર હોવા છતાં પ્રવાસીઓને પરવાનગી લેવી પડશે
- જવાબદારો સામે આકરા પગલાં લેવાની પ્રબળ માંગ ઉઠી
આણંદ જિલ્લાના વેરાખાડી ખાતે વન વિભાગ દ્વારા વિરાંજલી-મહિસાગર વનનુ નિર્માણ કરવામા આવ્યુ હતું. પરંતુ અધિકારીઓના પાપે પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનો ઉદ્દેશ્ય માર્યો ગયો છે. ગતરોજ પ્રવાસીઓ મહિસાગર વનની મુલાકાતે આવતા તેનો મુખ્ય ગેટ બંધ કરી દેવામા આવ્યો હતો. પ્રવાસીઓએ વનમાં ઉપસ્થિત કર્મીઓને મુખ્ય દરવાજો ખોલી અંદર પ્રવેશ આપવા જણાવ્યુ હતું. પરંતુ શાળામાંથી પ્રવાસે આવેલા બાળકો વનમાં હાજર હોવા છતાં પ્રવાસીઓને પરવાનગી લેવી પડશે. તેમ જણાવીને પ્રવાસીઓ માટે દરવાજો ન ખોલતા આખરે તેઓને મહિસાગર વનની મુલાકાત લીધા વિનામ જ પરત ફરવુ પડયુ હતુ. પરિણામે જવાબદારો સામે આકરા પગલાં લેવાની પ્રબળ માંગ ઉઠી છે.
જિલ્લામાથી પસાર થતી મહિસાગર નદી કાંઠે આવેલા ધાર્મિક સ્થાનકની મહત્તા ધરાવતા વેરાખાડી મુકામે થોડા વર્ષો પૂર્વે જલાઉ, ફળાઉ અને અલભ્ય વૃક્ષોનુ વાવેતર કરીને વિરાંજલી-મહિસાગર વનનુ નિર્માણ કરવામા આવ્યુ હતુ જેને તત્કાકલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખુલ્લુ મુક્યુ હતું. જોકે લાખોના ખર્ચે નિર્માણ કરાનાર વિરાંજલી વનમાં અનેક આકર્ષણો ઉભા કરીને પ્રવાસીઓ, સહેલાણીઓને આકર્ષવાનો પ્રયાસ કરાયો હતો. વિશાળ પટ્ટ સાથે વહેતી મહિસાગર નદીકાંઠાના વિરાંજલી વનમાં સમયાંતરે સ્થાનિક સહિત અન્ય જિલ્લાના પ્રવાસીઓ મુલાકાત લેતાં હોય છે.