- ગામમાં એક માત્ર મુસ્લિમ સમાજનું ઘર
- ચૌધરી સમાજના યુવકો મામા બન્યા
- હિન્દુ ધર્મના રિતરિવાજ મુજબ કંકુ તિલક કર્યા
વિસનગરમાં હરિહર સેવા મંડળમાં કોમી એકતાનુ ઉતમ ઉદાહરણ જોવા મળ્યું હતું. જેમાં ઉણાદ ગામના મુસ્લિમ પરિવારની એક દીકરીના મામા ન હોવાથી ગામના જ ચૌધરી સમાજના પરિવાર દ્વારા તેના લગ્ન પ્રસંગે મામેરું ભરી કોમી એકતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિસનગર ખાતે હરિહર સેવા મંડળમાં મુસ્લિમ પરિવારની દીકરીના લગ્ન યોજાયા હતા. સમસ્ત ઉણાદ ગામમાં એક જ મુસ્લિમ પરિવારનુ ઘર હોય અને યુવતીના મામા ન હોવાથી મામેરા ની રીત રિવાજ મુજબ મામેરું કર્યું હતું. મામેરામાં આવેલા ચૌધરી સમાજના લોકોનું હિન્દુ ધર્મ મુજબ મુસ્લિમ સમાજ દ્વારા કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના ચૌધરી પરિવાર દ્વારા શબનબાનું ને આશીર્વાદ આપ્યા હતા.
હરિહર સેવા મંડળના હોલમાં લગ્ન યોજાયા હતા
ઉણાદ ગામમાં રહેતા મનસુરી યુનુસભાઈ વાભાઈ જૈન દેરાસર સામે રહે છે. જેમાં સમસ્ત ગામમાં 1 મુસ્લિમ સમાજનું મકાન છે. ગામમાં ચૌધરી, ઠાકોર, રબારી, બ્રાહ્મણ વગેરે સમાજના લોકો રહે છે. જેમાં ગામમાં રહેતા મનસુરી યુનુસભાઈ ની દીકરી શબનબાનું ના લગ્ન વિસનગર હરિહર સેવા મંડળના હોલમાં યોજાયો હતો. જેમાં મનસુરી શબનબાનું ના મામા ના હોવાથી ગ્રામજનો મામા બની રિતી રિવાજ મુજબ મામેરૂ ભર્યું હતું. ગામના ચૌધરી નરેન્દ્રભાઈ વિરસંગભાઈ એ એક લાખ અગિયાર હજાર એકસો એકાવન રૂપિયાનું મામેરું કરી કોમી એકતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લગ્ન પ્રસંગમાં હિન્દુ મુસ્લિમ બહેનોએ એક સાથે લગ્નગીતો ગાયા હતા અને સંસ્કૃતિ ને ઉજાગર કરી હતી. તેમજ ચૌધરી સમાજે લગ્ન પ્રસંગમાં બેસી વર કન્યા ને આશીર્વાદ અને દુવા ઓ આપી હતી.
20 વર્ષથી જોડે રહેતા પાડોશીએ મામેરું કર્યું
આ અંગે મામેરું ભરનાર ચૌધરી નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે જે અમારા ધર્મના બેન છે જે વીસ વર્ષથી અમે પાડોશી છીએ. જે મને વીસ વર્ષથી રાખડી બાંધે છે જેથી એમના સગા ભાઈ ના હોય અમારી બેન તરીકે અમે રાખ્યા છે. જેમાં અમે 1 લાખ એકસો અગિયાર નુ મામેરું ભર્યું છે. ઉણાદ ગામના દલાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આમિનાબેન વર્ષોથી અમારા ગામમાં રહે છે. જેમને 20 વર્ષથી નરેન્દ્રભાઈએ ધર્મના બહેન કરેલા છે. એમને પોતાનો ભાઈ છે નહિ અને પોતે રાખડી બાંધે છે એમના મામેરા પેટે એક લાખ અગિયારસો અગિયાર નુ મામેરું ભર્યું છે જે કોમી એકતાનું પહેલું ઉદાહરણ અને બીજું ઉદાહરણ એ કે અમે મામેરું ભરવા આયા એમના જાતે મુસ્લિમ સમાજના છે તેમ છતાં હિન્દુ મહેમાનોને આવકારી કપાળમાં કંકુ ચોખાનું તિલક જાતે કરી જે અમારા હિન્દુ ધર્મ નુ ખાસ પ્રતીક છે જેને પુરુ પાડ્યું છે.