- વિસનગરમાં વરસાદના પાણીને લીધે બની દુર્ઘટના
- સાયકલ લઈ જતી કિશોરી ખુલ્લી ગટરમાં ખાબકી
- કાંસા ચાર રસ્તા પાસે બની ઘટના
લાંબા સમયના વિરામ બાદ સમગ્ર ઉત્તર ગુજરાતની સાથે મહેસાણા જીલ્લામાં ફરી મેઘસવારી આવી પહોંચી છે ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગરમાં પણ આજે ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભયરયા હતા. મહેસાણા જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા વિસનગરમાં ખુલ્લી ગટરમાં એક કિશોરી ગરકાવ થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. બાદમાં, બાળકીને બચાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે, હવે સામે આવ્યું છે કે ખુલ્લી ગટરમાં ખાબકવાને કારણે કિશોરીનું મોત થયું છે.
મળતી માહિતી મુજબ, વિસનગરના કાંસા ચાર રસ્તા નજીક ખુલ્લી ગટર લાઈનમાં કિશોરી ખાબકી હતી. જેને બચાવવા માટે તંત્ર દ્વારા કલાકોની મહેનત આખરે એળે ગઈ. વિસનગરમાં ધોરણ 8માં અભ્યાસ કરતી એક બાળકી સાયકલ લઈને જઈ રહી હતી તે દરમિયાન ભારે વરસાદને કારણે ભરાયેલા પાણીને લીધે કિશોરી ખુલ્લી ગટરમાં ખાબકી હોવાના સમાચાર મળતાની સાથે જ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાળકીને સહિસલામત બહાર કાઢવા માટે રેસક્યું ઓપરેશન હાથ ધર્યું હતું.
જુઓ વિડીયો…
કિશોરીને બચાવવા માટે સ્થાનિક તંત્રની સાથે ડિઝાસ્ટર ટિમ ઘટના સ્થળે પહોંચી પાણીમાં ગરકાવ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. બાળકીને બચાવવા તંત્રએ કલાકો સુધી ભારે જહેમત ઉઠાવી હતી. ભારે જહેમત બાદ ગટર માંથી બેભાન અવસ્થામાં કિશોરી મળી આવી હતી. કિશોરીની સ્થિતિ ગંભીર હોવાથી તેને તાત્કાલિક વિસનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
Source link