- કાંસા ચોકડી, ઇડર અને પોળોના જંગલો સહિતના સ્થળે રૂમમાં લઈ જઈ સંબંધો બાંધી બ્લેકમેલિંગ
- ત્રણ આરોપી ઇડર પોલીસના છટકામાં ઝડપાયા હતા
મહેસાણાના વિસનગરના કાંસા ગામના એક વેપારી સાથે અઠવાડિયા અગાઉ બે યુવતીઓએ વોટ્સએપ પર કોલ કરીને મીઠી મીઠી વાતો વડે હોટલમાં બોલાવી અંગત પળો માણી હનિટ્રેપનો શિકાર બનાવ્યા હતા. આ દરમિયાન પાંચ ઇસમોએ બળાત્કારના કેસમાં ફસાવી દેવાની વેપારીને ધમકી આપી એટીએમમાં લઈ જઈ રૂ. 50 હજાર પડાવ્યા હતા. આ ઉપરાંત વધુ 4.50 લાખની ખંડણી માંગી હતી અને વેપારીની કાર લૂંટી અવેજમાં સ્ટેમ્પ પેપર પર સાઇન કરાવી લીધી હતી. જોકે સાત આરોપી પૈકી ત્રણ આરોપી ઇડર પોલીસના છટકામાં ઝડપાયા હતા.
વિસનગરના કાંસાના મિતેષ ગોપાલભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.21થી 28 જૂનના સમયગાળા દરમિયાન બે યુવતીઓએ ભેગા મળીને તેમની સાથે વોટ્સએપ કોલ કરી વાતચીત કરી પ્રેમસંબંધનું નાટક કર્યુ હતું. ત્યારબાદ મિતેષ પટેલને હોટલમાં રૂબરૂ મળવા માટે લાલચ આપી બોલાવ્યા હતા અને બળજબરીપૂર્વક બે પૈકી એક મહિલાએ શારીરિક સંબંધ બાંધ્યો હતો. તે વખતે ઉપેશ સુરેશભાઈ સોલંકી, પ્રિયાંશુ સુરેશભાઈ સોલંકી (બંને રહે.પાલ ચીતરીયા) અને ઈડરના પાનોલનો જયકિશન રમેશભાઈ ડાભીને હાજર રખાયા હતા. ત્યારબાદ આ પાંચેય જણાએ મિતેષ પટેલ પાસેથી પૈસા પડાવવા તથા બદનામ કરવાનું અગાઉથી કાવતરું રચી ગેરકાયદે અટકાયત કરી માર મરાયો હતો તથા ખંજર તથા ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની અને બળાત્કારનો ખોટો કેસ કરવાની ધમકી આપીને વેપારીના બેંકના એટીએમમાંથી બળજબરીપૂર્વક રૂ.50 હજાર કઢાવી લીધા હતા. એટલું જ નહીં પણ ખંડણી પેટે રૂ.4.50 લાખની માંગણી કરી વેપારીની કાર (જીજ.02-ડીએલ.8427)ને અવેજમાં બળજબરીપૂર્વક સ્ટેમ્પ કરાવી દીધો હતો. જેથી ખંડણી માંગતા વેપારી મિતેષ પટેલે રૂ.2 લાખ આપવાનું કહી છટકું ગોઠવ્યું હતું. જેમાં ઉપેશ સોલંકી, પ્રિયાંશુ સોલંકી તથા કિશન ઉર્ફે મોન્ટુ લક્ષ્મણસિંહ દેવડા (રહે.હાલુડી વિસ્તાર, ઈડર) પકડાઈ ગયા હતા. તેમની પુછપરછ દરમિયાન જયકિશન ડાભી (રહે.પાનોલ, તા.ઈડર), આયુષ જશવંતસિંહ ડાભી (રહે.માથાસુર, તા.ઈડર) ખંડણીના પૈસા લેવા સારૂ રેકી કરતા પકડાઈ ગયા હતા. જેથી મિતેષ પટેલે પાંચ પુરૂષ અને બે મહિલા વિરૂધ્ધ મંગળવારે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.