- યુવક પાસેથી બળજબરીપૂર્વક પડાવી લીધેલું બુલેટ
- પોલીસે કબ્જે લઇને કાર્યવાહી હાથ ધરી
- યુવકની ફરિયાદના આધારે પોલીસે શખ્સ વિરૂદ્ધ ગુનો નોધ્યો
વલ્લભવિદ્યાનગર મહાદેવ એરિયા, દેવજી રાઠોડની ચાલીમા રહેતા રાહુલસિંહ પરમારે શહેરના હરિઓમ નગરના રાજુ ભરવાડ પાસેથી વ્યાજે લીધેલા 1.30 લાખની રકમ મુદ્દે ઇસમ દ્વારા યુવકનુ 1 લાખની કિંમતનુ મોટર સાયકલ બળજબરીથી પડાવી લેવામા આવ્યા બાદ પણ ત્રાસ વર્તાવતા યુવકે ફીનાઇલ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે કરમસદ શ્રીકૃષ્ણ મેડીકલ હોસ્પિટલમા ખસેડાયો હતો. યુવકની ફરિયાદના આધારે પોલીસે શખ્સ વિરૂદ્ધ ગુનો નોધ્યા બાદ શનિવારે વ્યાજખોરની અટકાયત કરી તેની પાસેથી બુલેટ કબ્જે લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના મહાદેવ એરિયાના મુળ રહીશ રાહુલસિંહ કમલેશભાઇ પરમાર ઉ.વ.26નાઓએ થોડા સમય પુર્વે શહેરના હરિઓમ નગરમા રહેતા રાજુ ધુળાભાઇ ભરવાડ પાસેથી કામ અર્થે 1.30 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જોકે સમયસર વ્યાજ અને મુદ્દલ રકમ ચુકવી નહીં શકતા વ્યાજખોર દ્વારા યુવકનુ 1 લાખની કિંમતનુ બુલેટ નં.જી.જે.23 ડી.સી. 5498ને બળજબરી પુર્વક પડાવી લીધા બાદ વ્યાજખોરે યેનકેન પ્રકારે ત્રાસ વર્તાવવાનો ચાલુ રાખતા આખરે રોજબરોજના ત્રાસથી કંટાળેલા યુવકે જીવન ટુંકાવવાનો નિર્ણય લઇને ગત ગુરૂવારે રાત્રિના 7.00 વાગ્યાના સુમારે જોળ-બાકરોલ માર્ગ ઉપર આવેલા ક્રિષ્ણા ફાર્મ પાસે ફીનાઇલ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને ત્વરિત સારવાર માટે કરમસદ મેડીકલ હોસ્પિટલમા ખસેડાયો હતો. જે કિસ્સામા પોલીસે વ્યાજખોર વિરૂદ્ધ 384, 294 (ખ), 506 (2) ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ કલમ 40 મુજબ ગુનો નોંધી તપાસ આરંભી હતી.સાથેસાથ જિલ્લામા છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર વ્યાજ વસુલતા ઇસમો વિરૂદ્ધ નાગરિકો તરફથી મળતી રજુઆતોને ધ્યાને લેતા જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલની સુચના આધાર પોલીસેટીમ સક્રિય બની હતી. ત્યારે વલ્લભવિદ્યાનગર ટાઉન પીઆઇ ડી.આર.ગોહિલની ટીમે ખાનગી બાતમી અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી ગત 17મીના રોજ રાજુ ધુળાભાઇ ભરવાડની અટક કરી તેની ઘનિષ્ઠ પુછપરછ કરી રાહુલસિંહ પરમાર પાસેથી પડાવી લીધેલ બુલેટ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથોસાથ શહેરમા કોઇ વ્યક્તિઓ પાસેથી ગેરકાયદેસર વ્યાજ વસુલાત કરતુ હોય તો શહેર પોલીસેનો સંપર્ક કરવા અપીલ કરાઇ છે.