- મોબાઈલના બિલ પુરાવા રજૂ ન કરવા સાથે આરોપી ભાંગી પડયો હતો
- ચોરીના મોબાઇલ વેચાણ રાખતા અર્જુન અને જયેશ ઢમેચાને કુલ 5 નંગ મોબાઈલ સાથે ઝડપી પાડયા
- કિંમત રૂ. 50 હજારના મુદ્દામાલ સાથે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડયા હતા
અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના મોબાઈલ સ્નેચિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને અન્ય ચોરીના 3 મોબાઇલ સાથે તથા ચોરીના મોબાઇલ વેચાણ-લેનાર 2 શખસને 8 નંગ મોબાઈલ જેની કિંમત રૂ. 50 હજારના મુદ્દામાલ સાથે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડયા હતા.
એલસીબી પોલીસની ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના અનડીટેક્ટ ઘરફેડ ચોરીના ગુનાઓને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એમ.રાઠોડ તથા તેમની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે, પાનોલી પોલીસ મથકના મોબાઈલ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી પ્રથમ મિસ્ત્રી હાલ અંકલેશ્વર વાલિયા ચોકડી તરફ્ જોવા મળ્યો છે.
જે બાતમીના આધારે વાલીયા ચોકડી ખાતેથી સુરતના કોસંબાની શાંતિનગર સોસાયટીમાં રહેતા 20 વર્ષીય પ્રથમ મિસ્ત્રીને વાલીયા ચોકડી અંકલેશ્વરથી પકડી તેની અંગઝડતી કરતા તેના પાસેથી 3 મોબાઇલ મળી આવ્યા હતા. જે મોબાઈલના બિલ પુરાવા રજૂ ન કરવા સાથે આરોપી ભાંગી પડયો હતો, અને કબુલાત કરી હતી કે, હું તથા મારો મિત્ર તુષાર પટેલ સુરત તથા ભરૂચ જિલ્લામાં મુલદથી માંડવા રોડ ઉપરથી આશરે 2થી 3 વખત તથા બાકરોલ બ્રિજથી ધામરોડ વચ્ચે આશરે 2થી 3 વખત તેમજ વાલીયા ચોકડી બ્રિજ ઉપર એક વખત અને અંકલેશ્વરથી પાનોલી રોડ ઉપર આશરે 3 વખત મિત્ર તુષારની બાઇક ઉપર નીકળી રસ્તામાં મોબાઈલ પર વાત કરતા જતા લોકોના હાથમાંથી મોબાઇલ ખૂંચવી લઈ કોસંબા ખાતે રહેતા અર્જુન તથા જયેશ ઢમેચાને વેચાણથી આપતા હોવાની હકીકત પોલીસ સમક્ષ જણાવી હતી. જેથી ચોરીના મોબાઇલ વેચાણ રાખતા અર્જુન અને જયેશ ઢમેચાને કુલ 5 નંગ મોબાઈલ સાથે ઝડપી પાડયા હતા.
આ બન્ને ઈસમોએ કબુલાત કરી હતી કે, અમારી પાસેથી મળી આવેલ મોબાઈલ પ્રથમ મિસ્ત્રી તથા તુષાર પટેલ ચોરી કરીને લાવતા હતા, અને અમને રસ્તામાં આપતા હતા, જેથી અમે આ મોબાઈલ વેચાણથી રાખતા હોવાની પોલીસને હકીકત જણાવી હતી. જેથી પોલીસે ત્રણેય શખસ પાસેથી 2 નંગ મોબાઈલ જેની કિંમત રૂ. 50 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવા સાથે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે. આ સાથે જ પાનોલી પોલીસ મથક ખાતે પણ આરોપીઓ અંગે જાણ કરવામાં આવી છે.