Student of 12th Standard Molestation : રાજકોટના વાલી જગત માટે ચિંતાજનક અને લાલબત્તીરૂપ ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક સ્કૂલ વાન ચાલકે તેની વાનમાં આવતી અને ધો. 12માં અભ્યાસ કરતી છાત્રાને મોહજાળમાં ફસાવી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં, ભોગ બનનાર છાત્રાના અંગત પળોનાં વીડિયો પણ ઉતારી લીધા હતાં. ગાંધીગ્રામ-2 પોલીસે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી સ્કૂલ વાન ચાલક સૈફ ઇલ્યાસ આરબીયાણી (ઉ.વ.20, રહે. આદિત્ય-79, આવાસ યોજના, એચ-વિંગ, બ્લોક નં. 108, ઇસ્કોન મંદિર પાછળ, રાજકોટ)ની ધરપકડ કરી તપાસ જારી રાખી છે.
છાત્રા ખુદ તેનાં વાલીઓ વિરૂદ્ધ ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચી ગઇ હતી
ચોંકાવનારી વાત એ છે કે, ભોગ બનનાર છાત્રાને આરોપી સૈફે એવી મોહજાળમાં ફસાવી હતી કે તે પોતાના વાલીઓ વિરૂદ્ધ બળવો પોકારી તેમની વિરૂદ્ધ ફરિયાદ કરવા રાજકોટ તાલુકા પોલીસ મથકમાં પહોંચી ગઇ હતી. પરંતુ તાલુકા પોલીસ મથકની હદ ન હોવાથી તેને પીસીઆર વાનમાં ગાંધીગ્રામ-2 પોલીસ મથકે મોકલાઇ હતી. જ્યાં તેનું પોલીસે કાઉન્સેલીંગ કર્યું હતું. ત્યાર પછી જ તેણે આરોપી સૈફે તેને કઇ રીતે મોહજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું હતું તેની વિગતો જણાવી હતી.
ભોગ બનનાર છાત્રાને જ્યારે રવિવારે એકસ્ટ્રા ક્લાસમાં જવાનું થતું ત્યારે આરોપી સૈફ પોતાની સ્કૂલ વાનમાં લઇ જઇ તેનું શારીરિક શોષણ કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તેણે ભોગ બનનાર છાત્રા ઉપર મુખ્યત્વે રવિવારે જ્યારે તેના સ્કૂલમાં એકસ્ટ્રા ક્લાસ હતા ત્યારે હવસનો શિકાર બનાવી હતી.
ભોગ બનનાર છાત્રાના પિતાએ પોલીસને જણાવ્યું કે તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. જેમાંથી પુત્રીની ઉંમર 16 વર્ષ 9 માસની છે. જે ધોરણ 12માં અભ્યાસ કરે છે. તેને સ્કૂલે તેડવા અને મૂકવા માટે આરોપી સૈફ સ્કૂલ વાન લઇને આવતો હતો. ગઇ તા. 22 ડિસેમ્બરનાં રોજ તેની પત્નીને જાણવા મળ્યું કે તેની પુત્રી સ્કૂલે પહોંચી નથી. જેથી તપાસ કરતાં આરોપી સૈફ તેની પુત્રીને લઇને ક્યાંક જતો રહ્યાની માહિતી મળી હતી.
તેની પુત્રી પરત આવતા તેને પૂછતા કહ્યું કે આરોપી સૈફે તેની સાથે ખોટું કામ કરી શારીરિક સંબંધ બાંઘ્યો છે. પરંતુ ત્યારે આરોપી સૈફે હવે પછી આવું નહીં કરે તેવી બાંયધરી આપતાં તેમણે પણ સમાજમાં બદનામીનાં ડરથી સમાધાન કરી લીઘું હતું. એટલું જ નહીં પુત્રીને સ્કૂલે જવાનું બંધ કરાવી દીઘું હતું. તેની પુત્રી પાસે એક મોબાઇલ ફોન હતો. જે તેનાં પુત્રએ ચેક કરતાં આરોપી સૈફે તેની પુત્રીને ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ પર અંગત પળોના વીડિયો અને ફોટોગ્રાફસ શેર કર્યાનું જોવા મળ્યું હતું. પરિણામે તેમણે પુત્રીને ઠપકો આપી સમજાવી હતી. તેની પત્નીએ પુત્રીને આ વીડિયો બાબતે પૂછતા કહ્યું કે, આરોપી સૈફે તેની અંગત પળોનાં વીડિયો ડરાવી-ધમકાવી ઉતારી લીધા છે. સાથોસાથ તે જો મળવા નહીં આવે તો આ વીડિયોને વાયરલ કરી નાખીશ તેવી ધમકી પણ આપી છે.
બે હોટેલ અને ઘરે શારીરિક શોષણ કર્યું હોવાનો ઘટસ્ફોટ
સ્કૂલ વેન ચાલક આરોપી સૈફનો સોમવારે જ 20મો જન્મદિવસ હતો અને હવે તેની આ સમય દરમિયાન જ દુષ્કર્મ અને પોક્સો જેવા ગંભીર ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.
ભોગ બનનાર છાત્રાને સાત-આઠ માસથી પોતાની વેનમાં સ્કૂલે તેડવા-મૂકવા જતો હતો. જેમાંથી છ માસ પહેલા તેને લગ્નની લાલચ આપી પોતાની મોહજાળમાં ફસાવી હતી.
તેની ઉપર રાજકોટની જુદી-જુદી બે હોટલોમાં અને પોતાના ઘરે દુષ્કર્મ ગુજાર્યું હતું. તેણે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની શક્યતા છે. ખોટી આઈડી પ્રૂફ જો આપવામાં આવ્યાનું ખુલશે તો હોટલમાં ચેક-ઇન કરનાર અને સગીરાને જો પ્રવેશ આપવામાં આવ્યાનું ખુલશે તો હોટલ માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ ઝોન-2નાં ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું.