– 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 14 થી વધીને 16.2 ડિગ્રીએ પહોંચ્યું
– મહત્તમ તાપમાન 27.2 ડિગ્રી નોંધાયું, 10 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાયો, ભેજનું પ્રમાણ 59 ટકા, વાદળ વિખેરાયા બાદ ઠંડી વધવાની શકયતા
ભાવનગર : છેલ્લા કેટલાક દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં લઘુત્તમ તાપમાન ઘટતા તેમજ ઠંડો પવન ફુંકાતા લોકોને ઠુઠવી નાખે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાન વધ્યુ છે, જેના પગલે ઠંડીનુ જોર ઘટયુ છે. ઠંડી ઘટતા લોકોને થોડી રાહત થઈ છે પરંતુ હજુ લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ નજરે પડી રહ્યા છે. આગામી દિવસોમાં વાદળ વિખાયા બાદ ઠંડી વધવાની શકયતા છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં આજે રવિવારે મહત્તમ તાપમાન ર૭.ર ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૬.ર ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ પ૯ ટકા અને પવનની ઝડપ ૧૦ કિલોમીટર નોંધાઈ હતી. ગઈકાલે શનિવારે મહત્તમ તાપમાન ર૭.૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૪.૦ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ ૬ર ટકા અને પવનની ઝડપ ૪ કિલોમીટર નોંધાઈ હતી. ગઈકાલ શનિવારની સરખામણીએ આજે રવિવારે મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નથી, જયારે લઘુત્તમ તાપમાન આશરે ર.ર ડિગ્રી વધ્યુ છે. ભેજનુ પ્રમાણ થોડુ ઘટયુ છે અને પવનની ઝડપ થોડી વધી છે. આજે આકાશમાં વાદળો છવાય ગયા હતા અને કમોસમી વરસાદ થાય તેવો માહોલ જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણના પગલે લઘુત્તમ તાપમાન વધતા ઠંડીનુ પ્રમાણ ઘટયુ છે તેથી લોકોને ઠંડીમાંથી થોડી રાહત મળી હતી. પવન ફુંકાતા વહેલી સવારે તેમજ મોડીરાત્રીના ઠુઠવી નાખે તેવી ઠંડીનો અનુભવ લોકોને થયો હતો. ઠંડીના કારણે રોડ સુમસાન જોવા મળ્યા હતા અને લોકોની અવર-જવર ઓછી જોવા મળી હતી. મોટાભાગના લોકો ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતાં.
ઠંડીના પગલે રાત્રીના સમયે કેટલાક લોકો તાપણી કરતા નજરે પડયા હતાં. રોડ પર રહેતા ગરીબ લોકોની મૂશ્કેલી વધી હતી અને તેઓ ધાબળા ઓઢી સુતા જોવા મળ્યા હતાં. ઠંડીના કારણે લોકોએ કામ સિવાય બહાર નિકળવાનુ ટાળ્યુ હતું. ઠંડીના પગલે વહેલી સવારે ચાલવા-દોડવા નિકળતા લોકોની સંખ્યામાં પણ થોડો ઘટાડો થયો હોવાનુ જાણવા મળેલ છે. આગામી દિવસોમાં હજુ ઠંડી વધવાની શકયતા તેમ જાણકારો જણાવી રહ્યા છે.