Jamnagar Forest Department : જામનગરના મુખ્ય વન સંરક્ષક મરીન નેશનલ પાર્કના આર.સેન્થીલ કુમાર તથા નાયબ વન સંરક્ષક મરીન નેશનલ પાર્ક જામનગરના રાઘીકા પરસાણાએ જીલ્લામાં ચાલતી વન્યજીવ શિકારની પ્રવૃતિ અટકાવવા માટે સુચના આપી હતી. જેના અનુસંઘાને રેન્જ ફોરેસ્ટ ઓફીસર મરીન નેશનલ પાર્ક સિક્કાના પી.બી.કરમુર દ્રારા વિવિઘ ટીમો બનાવી વાડીનાર રાઉન્ડ વિસ્તારના જાખર કોઠા અનામત જંગલ વિસ્તાર ખાતે પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી.
તા.14-12-2024ના રોજ ફોરેસ્ટ સ્ટાફ ટીમના સભ્યો જાખરકોઠા અનામત જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અનામત જંગલ વિસ્તારમાં ગેર કાયદે રીતે પ્રવેશ કરી લોખંડનો ફાસલો ગોઠવી વન્યજીવ સંરક્ષણ અધિનિયમના અનુસંધાને વામનદેહિ ભારતીય નોળિયાને ફાસલામાં ફસાવી શિકાર કરાયેલી હાલતમાં બનાવના સ્થળેથી વનપાલ વાડીનાર હુસેનભાઈ ઓ.ગાધની પેટ્રોલિંગ ટીમના સભ્યો દ્વારા મુદામાલ સાથે પકડી પાડી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972 (સુધારા અધિનિયમ-2022) ની કલમ 2 (1, 2, 12બી, 16-ક, ખ, 22, 31, 33, 35, 36), 9, 39, 44, 49-ખ, 51, 52, 55, 57 વિવિધ કલમની ભંગ બદલનો બે શખ્સો દિનેશ સવજી પરમાર અને પરેશ ધીરુભાઈ વાઘેલા વિરુધ્ધ વન્યજીવ અપરાઘનો ગુનો નોંઘી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ હતી.
તારીખ 15-12-2024ના એડી.ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ જામનગરની કોર્ટમાં સરકાર તરફે રેન્જ ફોરેસ્ટ ઓફીસર-સિક્કાના પી.બી.કરમુર સરકારી વકીલ મારફત રિમાન્ડ અરજી સાથે આરોપીઓને રજુ કરતા. એડી.ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. જેથી જામનગર ગ્રામ્ય વિસ્તારના શિકારની પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ અંગે હુસેનભાઈ ઓસમાણભાઈ ગાધ (ફોરેસ્ટર, વાડીનાર રાઉન્ડ) ની ફરિયાદના આધારે આર.એફ.ઓ સિક્કા રેન્જના પ્રભાતભાઈ ભાયાભાઈ કરમુર તપાસ શરૂ કરી છે. શિકારમાં ઉપયોગ થયેલ ફાસલા નંગ-2, મોટરસાયકલ સહિતનો અંદાજીત રકમ રૂપિયા 51,000 ની કિંમતનો મુદ્દામાલ વન વિભાગે કબ્જે કર્યો છે.