વરસાદમાં પડી ગયેલા વૃક્ષોના નામે
ગ્રામ પંચાયતે કાપેલા ઝાડ ભરેલું ટ્રેક્ટર જપ્ત કર્યું ઃ વૃક્ષ છેદન ધારા હેઠળ ગુનો નોંધવા તલાટી અને સરપંચની માંગ
ઠાસરા: ગળતેશ્વર તાલુકાના વાડદ ગ્રામ પંચાયત હસ્તક બોડાણી તલાવડી પાસે એક શખ્સ દ્વારા ગેરકાયદે ઉભા લીલા ૧૭ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાની તલાટી કમ મંત્રી અને સરપંચે સેવાલિયા પોલીસ મથકે અરજી આપી હતી. ગેરકાયદે ઝાડ કાપનારા શખ્સ સામે વૃક્ષ છેદન ધારા હેઠળ પોલીસ ફરિયાદ કરવા માંગ કરી છે.
વાડદ ગ્રામ પંચાયત હસ્તક આવેલા બોડાણી તલાવડી પાસે ઉભા લીલા ઝાડ કાપવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા સેવાલિયા પોલીસ મથકે અરજી આપવામાં આવી છે. અરજીમાં જણાવ્યા મુજબ, વાડદ ગામમાં સરકારી પડતર જમીન સર્વે નં.૧૩૪૩ અને સર્વે નં.૫૪૪માં પઠાણ તૌસિફખા નજીરખા દ્વારા લીમડાના ૧૧, મહુડાનું ૧ અને બાવળના ૫ વૃક્ષો કોઈપણ પ્રકારની પરવાનગી વિના ગેરકાયદેસર કાપવામાં આવ્યા છે. આ અંગેની જાણ થતાં ગ્રામ પંચાયત દ્વારા કાપેલા વૃક્ષો લઈ જતાં ટ્રેક્ટરને જપ્ત કરીને ગ્રામ પંચાયત ખાતે જમાં લેવામાં આવ્યું છે. ત્યારે ગેરકાયદે વૃક્ષો કાપનારા સામે વૃક્ષ છેદન ધારા હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવા અરજી કરી હતી. નોંધનીય છે કે, વાડદ ગ્રામ પંચાયત દ્વારા ચોમાસામાં પડી ગયેલા ઝાડની હરાજી રૂ.૧.૧૧ લાખમાં કરવામાં આવી હતી. પરંતુ હરાજી રાખનાર વેપારી દ્વારા પડી ગયેલા ઝાડના બદલે ઉભા લીલા વૃક્ષો કાપી નાખ્યા હોવાના આક્ષેપ લાગ્યા છે.