– ઈટાળિયા ગામેથી ઉમરાળા ઘરે આવી રહ્યાં હતા ત્યારે અકસ્માત સર્જાયો
– સાઈનબોર્ડ કે રિફ્લેક્ટર લગાવ્યા વિના પાર્ક કરેલા ડમ્પર ચાલક વિરૂદ્ધ વલભીપુર પોલીસમાં ગુનો નોંધાયો
ભાવનગર : વલભીપુરના રામપર ગામ નજીક પેટ્રોલપંપ પાસે ભયસુચક સાઈનબોર્ડ કે રિફ્લેક્ટર લગાવ્યા વિના પાર્ક કરેલા ટ્રક સાથે બાઈકનો અકસ્માત સર્જાતા બાઈક ચાલક ઉમરાળાના વૃદ્ધનુ મોત નિપજ્યું છે. જ્યારે બાઈકમાં સવાર વૃદ્ધના પત્નિ અને પૌત્રને સામાન્ય ઈજા પહોંચી છે. બનાવ અંગે વલભીપુર પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.
ઉમરાળા ખાતે રહેતા વાલજીભાઈ લાલજીભાઈ ચૌહાણ (ઉ.વ.૬૨) ગઈકાલે સાંજના સમયે વલભીપુરના ઈટાળીયા ગામેથી ઉમરાળા તેમના ઘરે બાઈક પર તેમના પત્નિ અને પૌત્ર સાથે આવી રહ્યાં હતા ત્યારે રામપર ગામ નજીક પેટ્રોલપંપ નજીક રોડ વચ્ચે રેતી ભરેલું એક ડમ્પર પડેલું હતું. જેની સાથે તેમનું બાઈક અથડાઈ જતાં વાલજીભાઈને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે તેમના પત્નિ અને પૌત્રને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જે બાદ વાલજીભાઈને ઈમર્જન્સી ૧૦૮માં સારવાર માટે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટુંકી સારવાર બાદ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે દિપકભાઈ વાલજીભાઈ ચૌહાણે વલભીપુર પોલીસ મથકમાં રોડ વચ્ચે ભયજનક રીતે જીજે-૦૯-વાય-૯૯૨૦ નંબરના ડમ્પરને પાર્ક કરનારા ડમ્પર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.