ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. 19 થી 25 નવેમ્બર, ૨૦૨૪ દરમિયાન “વર્લ્ડ હેરિટેજ સપ્તાહ” ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી “Discover and Experience Diversity” થીમ પર થઈ રહી છે. ગુજરાતના કેટલાક મહત્વના હેરિટેજ સ્થળોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પ્રાપ્ત થયું છે. તાજેતરમાં જ કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો પ્રાપ્ત થયો છે.
આ સ્થળને વર્ષ-1967માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું, પરંતુ 1990 થી જ વ્યવસ્થિત રીતે ઉત્ખનન કરવામાં આવ્યું હતું. કલાકૃતિઓમાં ટેરાકોટા, માટીકામ, માળા, સોના અને તાંબાના ઘરેણાં, સીલ, માછલી પકડવાના હૂક, પ્રાણીઓની મૂર્તિઓ, ઓજારો, ભઠ્ઠીઓ અહીં ખોદકામ દરમિયાન મળી આવી હતી.
પુરાતત્વ વિભાગ પ્રાપ્ત માહિતી અનુસાર આ નગર અંદાજે 5 હજાર વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિનું શ્રેષ્ઠ નગર આયોજન, શ્રેષ્ઠ જળ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન પ્રણાલીનું એક ઉત્તમ ઉદાહરણ છે. ધોળાવીરામાં ઉત્ખનન દરમિયાન સિંધુ સભ્યતાનું એક સાઈન બોર્ડ પણ મળી આવ્યું હતું, જેને આજદિન સુધી ઉકેલી શકાયું નથી.
ધોળાવીરાને અહીં કચ્છના સ્થાનિક લોકો કોટડા એટલે કે મોટા કિલ્લા તરીકે પણ ઓળખે છે. કચ્છ જિલ્લાના ખદીર બેટમાં ચોતરફ મીઠાના રણની વચ્ચે ધોળાવીરા આવેલું છે. અહી ઉત્તરમાં માનસર અને દક્ષિણમાં મનહર એમ બે નદીઓ વહેતી હતી. મીઠાના વિશાળ સફેદ આચ્છાદિત ચાદરના રણથી ઘેરાયેલું આ પ્રાચીન નગર વન્યજીવ સૃષ્ટિ માટે પણ જાણીતું છે. જ્યાં ચિંકારા, નીલગાય, ફ્લેમિંગો જેવા પશુ-પક્ષીઓ જોવા મળે છે.
આ પણ વાંચો :
બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થઈ કપાસની બમ્પર આવક, જાણો ખેડૂતોને જણસીઓનો મળ્યો કેટલો ભાવ
ધોળાવીરા એ સમયે નગર રચના માટે વિખ્યાત હશે તેમ જાણકારોનું માનવું છે. મુખ્ય કિલ્લો જે સૌથી ઊંચાણવાળી જગ્યાએ છે અને અન્ય બે નગરો નીચેના વિસ્તારમાં મળી આવ્યા છે. આ ઉપરાંત પથ્થરનું બાંધકામ પણ ધોળાવીરામાં જોવા મળે છે. સ્વચ્છતાનું સુંદર નિયોજન ધોળાવીરામાં જણાઈ આવે છે, કારણ કે અહીં ભૂર્ગભ ગટર વ્યવસ્થા પણ મળી હતી. સુરક્ષા માટે નગરની ફરતે મોટી દિવાલો પણ અહીં મળી આવી હતી. ધોળાવીરાની બાજુમાંથી પસાર થતી નદીઓનું પાણી અંદર સુધી આવે તે રીતે જળ વ્યવસ્થાપન જોવા મળે છે. અન્ય સંસ્કૃતિઓના શહેરોમાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલું છે. જ્યારે ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ થયું છે અને પથ્થરો થોડેક છેટે બાજુમાં ખાણોમાંથી કાઢેલા છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ સંરક્ષિત દિવાલ આવેલી છે.
આ પણ વાંચો :
અમદાવાદનું તાપમાન 16 ડિગ્રીએ પહોંચ્યુ, આગામી સાત દિવસ ગુજરાતમાં કેવી ઠંડી પડશે?
ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેચવામાં આવ્યું છે:
-
રાજાનો/શાસક અધિકારીનો રાજમહેલ કે જે ઊંચાઈવાળી જગ્યા પર છે. તેની ચારેબાજુથી મજબૂત કિલ્લાબંદી કરવામાં આવી હતી. આ કિલ્લામાં ચાર દરવાજા હતાં.
-
અન્ય અધિકારીઓનાં આવાસ કે જેના ફરતે પણ રક્ષણાત્મક દિવાલ હતી અને બેથી પાંચ ઓરડાવાળા મકાન હતાં.
-
સામાન્ય નગરજનોનાં આવાસ હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા. આ નગરમાં મોતી બનાવાનું મોટું કારખાનું મળી આવ્યું છે. અહીંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી છે.
સ્વદેશ દર્શન 2.0 માં ધોળાવીરાને આવરી લઈને વિવિધ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરાશે
ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની સર્વગ્રાહી વિકાસ માટે પસંદગી કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત ભારતના આવા કુલ 50 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના બે સ્થળો ધોળાવીરા અને દ્વારકાની પસંદગી થયેલી છે.
આ પણ વાંચો :
સુરત APMC માર્કેટમાં આજે 3215 ટન શાકભાજીની આવક નોંધાઈ, જાણો કોનો કેટલો ભાવ
ધોળાવીરાને સસ્ટેનેબલ એન્ડ રિસ્પોન્સ ટુરિસ્ટ સ્થળ તરીકે વિકસાવવાના હેતુસર બે ભાગમાં કામગીરી કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં કલ્ચર વિલેજ, એમ્ફીથીયેટર, ટેન્ટ સીટી, ટુરિસ્ટ પ્લાઝા અને રસ્તાના વિકાસ સહિતના કામો હાથ ધરાશે. આશરે રૂ. 135 કરોડના ખર્ચે આકાર લેનારા પ્રથમ ફેઝના માસ્ટર પ્લાન મુજબ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં સમગ્ર કચ્છની સંસ્કૃતિ, કલા અને ઇતિહાસને આવરી લેવાશે તથા કમ્યુનિટી હોલ બનાવવામાં આવશે.
ધોળાવીરા પ્રવાસન સ્થળના વિકાસ સાથે માસ્ટર પ્લાનમાં નજીકના ધાર્મિક સ્થાનકો, કુદરતી સ્થળો સહિતના જોવાલાયક સ્થળોને પણ સાંકળી લેવાશે, જેથી પ્રવાસીઓ અહીં વધુમાં વધુ જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકે.
હેરિટેજ ટુરિઝમ પોલિસી
દેશ-વિદેશના પ્રવાસીઓ ગુજરાતની પ્રાચીન ધરોહર અને ઐતિહાસિક વિરાસતનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે તે માટે રાજ્ય સરકારે “હેરિટેજ ટુરિઝમ પોલિસી-2020-25” જાહેર કરી હતી. આ પોલિસી હેઠળ ગુજરાતના નાના ગામ-નગરોમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી પ્રાચીન વિરાસત ઇમારતો, રાજા રજવાડાના મહેલો, ઝરૂખા, મિનારા અને કિલ્લા સહિતના હેરિટેજ સ્થળોને પ્રવાસન પ્રેમીઓ માટે સુવિધાસભર સગવડો સાથે ખુલ્લા મૂકવાનો તેમજ આવા હેરિટેજ સ્થળોને પ્રોત્સાહન આપવાનો રાજ્ય સરકારે આગવો અભિગમ અપનાવ્યો છે.
આ પણ વાંચો :
Wedding Season: માર્કેટમાં આવ્યો ગોલ્ડન ચુડાનો ટ્રેન્ડ, ભાવ જાણીને ચોંકી જશો
હેરિટેજ ટુરિઝમ પોલિસી અંતર્ગત તા. 1 જાન્યુઆરી-1950 પહેલાની હેરિટેજ હોટલ, મ્યુઝિયમ, બેન્કવેટ હોલ કે રેસ્ટોરન્ટનું નિર્માણ કરતી ઐતિહાસિક વિરાસતના મૂળ માળખા સાથે છેડછાડ કરી શકાશે નહિ. સાથે જ, હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્કવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ યુનિટના રિનોવેશન-રીપેરીંગ માટે રૂ. 30 લાખથી રૂ. 10 કરોડ સુધીની સહાય રાજ્ય સરકાર પૂરી પાડે છે. આ ઉપરાંત પાંચ વર્ષ માટે 100 ટકા ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી માફી અને નેશનલ-ઇન્ટરનેશનલ ઇવેન્ટ માટે રેન્ટ સહાય વગેરેના વધારાના પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર