- બાતમીને આધારે ગાંધીધામ એસઓજીએ દરોડા પાડ્યા
- પોસડોડા ભરેલા 8 કોથળા સહિત 10.15 લાખનો મુદામાલ કબજે
- રહેણાંક મકાન, કારમાં નસિલો પદાર્થ છુપાવી રાખ્યો હતો
અંજાર તાલુકાના વરસામેડી સીમમાં આવેલ અંબાજીનગરમાં રહેતા શખ્સે મોટા પ્રમાણમાં પોસડોડાનો જથ્થો મંગાવી કાર તેમજ મકાનમાં છુપાવી રાખ્યો હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો. ત્યારબાદ 5 લાખના નશીલા પદાર્થ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી કાર, મોબાઈલ, વજનકાંટો વગેરે મળી 10.15 લાખનો મુદામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો.
પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે રાત્રીના પીઆઇ એસ.એસ.દેસાઈ, પીએસઆઈ જી.કે. વહુનીય સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે અંજાર તાલુકાના વરસામેડી સીમમાં અંબાજીનગર-08માં રહેતો મૂળ ચિતોડગઢ, પ્રતાપનગર ચોરાયા, સિંધી કોલોની, રાજસ્થાનનો વતની દિપક ઓમપ્રકાશ તનવાણીએ પોતાના મકાન તેમજ કારમાં પોસડોડાનો જથો સંગ્રહ કર્યો હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે એસઓજીની ટીમે વરસામેડી સીમમાં આવેલ અંબાજીનગર-08 માં આરોપીના ઘરમાં છાપો માર્યો હતો. ઘરની તપાસ કરતા તેમાંથી પોસડોડા ભરેલ 5 કોથળા મળી આવ્યા હતા. જેથી આરોપીના કબ્જાની કારમાં તપાસ કરી હતી. જેમાંથી પણ પોસડોડાના 3 કોથળા મળી આવ્યા હતા. પરિણામે 169.260 કિલોગ્રામ પોસડોડા રૂપિયા 5,07,780 નો જથો કબજે કરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ કાર, ઇલેક્ટ્રિક વજનકાંટો, મોબાઈલ 2 વગેરે મળી કુલે રૂપિયા 10,15,280 નો મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. જે અંગે અંજાર પોલીસે ગુનો નોંધી નસિલો પદાર્થ ક્યાથી આવ્યો? કોને આપવાનો હતો? અન્ય કોઈની સંડોવણી છે? કે કેમ સહિતના સવાલોના જવાબ મેળવવા તપાસનો દોર હાથ ધર્યો છે.