ગાંધીનગર મહાપાલિકા,
કલોલ, માણસા
તથા દહેગામ પાલિકા વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગની સૂચના
કેટલાક સ્થળોએ બેફામ પાણીનો વેડફાટ રોકવા તંત્ર જાગ્યું ઃ જિલ્લામાં જળ સંચય અભિયાન અંતર્ગત શહેરના વિસ્તારોમાં લીકેજ પડેલી લાઇનો અને ટપકતાં નળ જોડાણ શોધી કાઢવા તાકીદ
ગાંધીનગર : ગાંધીનગર મહાપાલિકા અને કલોલ, માણસા તથા દહેગામ નગરપાલિકાના વિસ્તારમાં પાણીનો વેડફાટ
રોકવા તાકીદ કરાઇ છે. જળ સંચય અભિયાન અંતર્ગત પાણી પુરવઠા વિભાગે સુચના આપી છે, કે પાણીના લિકેજ
ધરાવતા કિસ્સા શોધી કાઢીને તેમાં મિલકત ધારકોની બેદરકારીના કારણે જો પાણીનો વેડફાટ
અને વ્યય થતો દેખાય તો કાયદેસરની કાર્યવાહી કરવા ઉપરાંત નળના જોડાણ કાપીને
દાખલારૃપ કાર્યવાહી કરવાની રહેશે.
અધિકારી સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું, કે પાણીના
અંડરગ્રાઉન્ડ કનેકશનોમાં લીકેજ થયા હોવાના કારણે પાણીનો બગાડ થાય છે. તેમજ ઘણી
જગ્યાએ નળ વગરના અંડર ગ્રાઉન્ડ કનેકશનોના લીધે હજારો લીટર પાણી વેડફાતું હોવાના
કિસ્સા સંમયાંતરે પ્રકાશિત થતાં રહે છે. જેના સંબંધમાં મહાપાલિકા અને નગરપાલિકા
તંત્રોએ કડક વલણ અપનાવવું અનિવાર્ય બન્યું છે. પાલિકા દ્વારા જ નાગરીકો અને મિલ્કત
ધારકોને સુચના આપવામાં આવશે કે શહેરના રહેણાંક વિસ્તારમાં મકાન તેમજ વાણિજ્ય
વિસ્તારની દુકાનોમાં પાયનગર યોજના વિભાગ અથવા પાલીકા દ્વારા પાણીના કનેકશનો આપેલા
હોય તેમાં લીકેજ હોય તો તાત્કાલીક રીપેરીંગ કરાવી લેવા અને નળ ન હોય તો મુકાવી
દેવા અને વધારાનું પાણી વહી ન જાય કે પાણીનો બગાડ ન થાય તેની કાળજી લેવી જરૃરી છે.
સુત્રોના જણાવ્યા મુજબ પાણીનો બગાડ કોઇપણ સંજોગોમાં ચલાવી નહીં
લેવાય. જોકે નગરજનો જાતે પાણીનો બગાડ રોકી પર્યાવરણ અંગેની પોતાની ફરજ નીભાવે તે ઇચ્છનીય
છે. પરંતુ તેવી સ્થિતિ નહીં દેખાય તો પગલા ભરવામાં આવશે.
ગેરકાયદે અથવા એકથી વધુ નળ જોડાણમાં મંજૂરી લેવી ફરજિયાત
રહેણાંક કે વાણિજ્ય વિસ્તારમાં મંજુરી લીધા સિવાયના કનેકશન
હોય અથવા એક કરતા વધુ કનેકશન હોય તો તાકીદે કાયદેસરની મંજુરી મેળવી લેવા જણાવી
દેવામાં આવશે. દરમિયાન મહાપાલિકા વિસ્તાર ઉપરાંત કલોલ, માણસા અને દહેગામ
એમ દરેક નગરપાલીકાએ તપાસ માટે ટીમ બનાવીને શહેરમાં સર્વે કરવાની કામગીરી શરૃ કરવા
માટે જણાવવામાં આવ્યું છે. આ દરમિયાન કોઇ નગરજન પાણીનો બગાડ કરતા માલુમ પડશે, તો તેમના નળ
જોડાણ કાપી નાખવા માટે નોટિસ ફટકારવામાં આવશે. તેમજ દંડનિય કાર્યવાહી કરવામાં
આવશે.