Last Updated:
છેલ્લા દોઢ દાયકામાં ગુજરાત વન્ય પ્રાણીઓ માટે સૌથી સુરક્ષીત રાજ્ય બન્યું છે. જેમા ખાસ કરીને ગીરમાં હવે અત્યાધુનિક ટેક્નોલોજીની મદદ લઈને પ્રાણીઓની સુરક્ષા વધારવામાં આવી રહી છે. જેમા સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ અને હાઈટેક મોનિટરિંગ યુનિટ જેવી અત્યાધુનિક ટેક્નોલોજીની મદદ લેવામાં આવી રહી છે.
ગાંધીનગર: ગુજરાતના બૃહદ ગીર વિસ્તારના સંરક્ષણ અને પર્યાવરણનું જતન કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિઝનરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી હતી જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે સુપેરે આગળ ધપાવી રહ્યા છે. આ કામગીરીના પરિણામે છેલ્લા દોઢ દાયકાથી વન્ય પ્રાણીઓ માટે ગુજરાત વધુ સુરક્ષિત રાજ્ય બન્યું છે, જે ગુજરાત માટે ગૌરવની બાબત છે. વન્ય પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિઓ અંગે લોકજાગૃતિની સાથે તેમનું સંરક્ષણ-સંવર્ધન થઈ શકે તેવી પ્રવૃત્તિઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. એક મહત્વપૂર્ણ બાબત અત્યાધુનિક ટેકનોલોજીને આ કામગીરીમાં સામેલ કરવાની છે.
વન્યજીવ સંરક્ષણના વિવિધ પાસાઓનું સંચાલન કરવામાં વૈજ્ઞાનિક દેખરેખ અને સંશોધન મહત્વપૂર્ણ છે. આ દિશામાં આગળ વધતા, વર્ષ 2019માં ગીરમાં અત્યાધુનિક મોનિટરિંગ યુનિટ બનાવવામાં આવ્યું છે.
હાઇટેક મોનિટરિંગ યુનિટ: પ્રાણીઓ અને પક્ષીઓની રેડિયો ટેલિમેટ્રી સ્ટડી અને સર્વેલન્સ
આ હાઇટેક મોનિટરિંગ યુનિટના માધ્યમથી માંસાહારી પ્રાણીઓ અને ગીર વિસ્તારના પક્ષીઓનું રેડિયો ટેલિમેટ્રી સ્ટડી કરવામાં આવે છે. તે સિવાય વાયરલેસ કમ્યુનિકેશન, માઇક્રોચિપ ડેટાસેટ તેમજ સફારીના વાહનો અને અંદર અને બહાર જવાના પોઇન્ટ્સનું સર્વેલન્સ પણ કરવામાં આવે છે. રેડિયો ટેલિમેટ્રી સ્ટડીમાં પ્રાણીઓની મુવમેન્ટ અને તેમની વર્તણૂંકનો રેડિયો ટ્રાન્સમિટરના માધ્યમથી અભ્યાસ કરવામાં આવે છે.
સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ: અભયારણ્ય નજીકના રસ્તાઓ પર ટ્રાફિક મેનેજમેન્ટ
સંરક્ષિત વિસ્તાર પાસેથી પસાર થતા રસ્તાઓ પર વાહનો સાથે પ્રાણીઓ અથડાય નહિ તે હેતુથી આધુનિક સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ પણ વિકસિત કરવામાં આવી છે. આ સેન્સર આધારિત મોનિટરિંગ પ્રણાલી છે જે થર્મલ કેમેરા ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમ પસાર થતા વાહનોની ગતિને માપે છે જેને એલઇડી પર રજૂ કરીને ડ્રાઇવરને એલર્ટ કરવામાં આવે છે.
એએનપીઆર ટેકનોલોજી પસાર થતા વાહનોની લાઇસન્સ પ્લેટનું રીડિંગ કરીને વાહનોની ઓળખ સરળતાથી કરી આપે છે. થર્મલ કેમેરા પ્રાણીઓ અને ચીજોની હીટ સિગ્નેચરની ઓળખ કરે છે. આ ટેકનોલોજીની મદદથી ખરાબ હવામાન અને ઓછા પ્રકાશમાં પણ વન્યજીવોની મુવમેન્ટ જાણવામાં મદદ મળે છે.
વાહનની માહિતી, વન્યજીવોની ઉપસ્થિતિ સહિતની જરૂરી માહિતીને કન્ટ્રોલ સેન્ટર અને ફોરેસ્ટ ચેક પોસ્ટ પર મોકલવામાં આવે છે જેના લીધે સંવેદનશીલ રસ્તાઓ પર વન્યજીવોના અકસ્માતને અટકાવવામાં મદદ મળી છે.
Gandhinagar,Gujarat
March 11, 2025 11:51 PM IST