- ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
- 4 વર્ષમાં રૂ.450નો અને એક વર્ષ રૂ.200નો વધારો
- અજમો ઘઉં સહિતની ખેત પેદાશોની આવક થઈ રહી છે
રાધનપુર માર્કેટયાર્ડમાં 1 એપ્રિલથી જીરૂ, સવા, ઈસબગુલ, અજમો ઘઉં સહિતની ખેત પેદાશોની આવક થઈ રહી છે. જો કે, ગત વર્ષ કરતાં વઢીયાર પંથકમાં ઘઉનું ઉત્પાદન ઓછુ થતાં હારીજ, સમી, રાધનપુર અને વારાહી સહિત અનેક માર્કેટમાં ઘઉંની આવક ઘટી છે. જેથી ભાવમાં રૂ.200નો ઉછાળો આવતાં ગૃહિણીઓનું બજેટ ખોટવાયું છે.
છેલ્લા કેટલાક વર્ષોથી મોંઘવારીએ માઝા મૂકી છે. રાંધણ ગેસ, પેટ્રોલ ડીઝલ સહિત જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુઓના ભાવમાં હરણફાળ વધારો જોવા મળી રહ્યો છે. સાથે સાથે ખાદ્ય અનાજ ઘઉંના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. ગત વર્ષે રૂ.360થી રૂ.550 સુધી મળતાં ઘઉં આ વર્ષે રૂ.400થી રૂ.750ની સપાટી વટાવી ચૂક્યા છે. આ બાબતે માર્કેટમાં ઘઉંની ખરીદી કરવા આવેલ મધ્યમવર્ગની મહિલાએ જણાવ્યું ઘઉં સહિત ઘર વપરાશની ચીજવસ્તુઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય અને ગરીબ મહિલાઓને ઘર કેવી રીતે ચલાવવા તેવા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે.
માર્કેટમાં ઘઉંનું વેચાણ ઘટયું
વેપારી રમાભાઈએ જણાવ્યું હતું કે ગત સાલ કરતા ઘઉંના ભાવ ઓછા હતા તેવા સમયે મહિલાઓ માર્કેટમા ઘઉંની ખરીદી કરવા માટે આવતી હતી પરંતુ ભાવમાં રૂ. 200નો વધારો થતાં મહિલાઓ ખરીદી કરવામાં ખચકાઈ રહી છે.