– અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં રોષ
– તંત્રની બેદરકારીથી જીરા, એરંડા સહિતના પાકને નુકસાન થવાનો ખેડૂતોનો આક્ષેપ
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના ગામોમાંથી પસાર થતી મુખ્ય તેમજ માઈનોર કેનાલમાં અવાર-નવાર ગાબડા તેમજ લીકેજના કારણે ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકશાન પહોંચવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે અણીન્દ્રા ગામની સીમમાં લીકેજ કેનાલના પાણી ફરી વળતા અંદાજે ચાર થી પાંચ ખેડુતોએ મહામહેનતે કરેલ રવિપાકને નુકશાની પહોંચતા ખેડુતોની હાલત કફોડી બની છે.
ચાલું વર્ષે એક તરફ ચોમાસા દરમ્યાન અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. તેમ છતાંય ખેડૂતોએ રવિ પાકમાં સારા ઉત્પાદનની આશાએ ધઉં, ચણા, જીરૂ, વરીયાળી સહિતના પાકોનું વાવેતર કર્યું છે. ત્યારે અણીન્દ્રા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં લીકેજના કારણે આસપાસના ચારથી પાંચ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા રવિપાકને નુકસાન પહોંચ્યું છે. કેનાલના પાણી પાકમાં ફરી વળતા ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. વારંવાર કેનાલના પાણી ખેતરમાં ફરીવળતાખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તાત્કાલીક પાણીનો પ્રવાહ બંધ કરી લીકેજ કેનાલનું રિપેરીંગ કામ હાથધરવામાં આવે તેમજ ખેડૂતોને થયેલ નુકસાન અંગે વળતર ચુકવવામાં આવે તેવી ખેડુતોમાં માંગ ઉઠવા પામી છે.