વડોદરાઃ વડોદરા સહિત રાજ્યના ૧૧ કેન્દ્રો પર ૩૫૮૭૪ ઉમેદવારોએ આજે જીસેટ( ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ) પરીક્ષા આપી હતી.જીસેટ પરીક્ષા માટે ૪૧૭૨૨ ઉમેદવારો નોંધાયો હતો અને આ પૈકી ૮૬ ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
સરકારે જીસેટ પરીક્ષા લેવાની કામગીરી માટે એમ.એસ.યુનિવર્સિટીને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરી છે.આજે ૧૮મી જીસેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.જીસેટ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો યુનિવર્સિટીઓમાં પીએચડી માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.નેટ( નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ ) પરીક્ષાના વિકલ્પ તરીકે જીસેટ પાસ કરનારા ઉમેદવારો યુનિવર્સિટી અને કોલેજોમાં અધ્યાપક તરીકે નોકરી માટે એપ્લાય કરી શકે છે.જીપીએસસી તરીકે થતી કેટલીક નિમણૂકોમાં પણ જીસેટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને પ્રાધાન્ય અપાય છે.
આજે કુલ મળીને ૩૩ વિષયોની જીસેટ પરીક્ષા લેવામાં આવી હતી.સૌથી વધારે ઉમેદવારો કોમર્સ, કેમિકલ સાયન્સ, લાઈફ સાયન્સ અને અંગ્રેજી વિષયમાં નોંધાયા હતા.પરીક્ષા સેન્ટરોની વાત કરવામાં આવે તો સૌથી વધારે ૮૯ ટકા ઉમેદવારોએ વલ્લભ વિદ્યાનગર ખાતે, ૮૮ ટકા ઉમેદવારોએ ભાવનગર ખાતે, ૮૮ ટકા ઉમેદવારોએ જૂનાગઢ ખાતે અને ૮૭.૬ ટકા ઉમેદવારોએ ગોધરા અને વલસાડ ખાતે તથા ૮૩ ટકા ઉમેદવારોએ અમદાવાદ ખાતે પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
જીસેટ પરીક્ષાના નોડલ સેન્ટરના કહેવા પ્રમાણે પરીક્ષા આપવા માટે ફોર્મ ભરનારા ઉમેદવારોની સંખ્યા ગત વર્ષ જેટલી જ હતી પરંતુ તેની સામે પરીક્ષા આપનારા ઉમેદવારોની ટકાવારીમાં આ વર્ષે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
સૌથી વધારે રજિસ્ટ્રેશન કયા વિષયોમાં
કોમર્સ ૫૫૬૪
કેમિકલ સાયન્સ ૪૪૯૦
લાઈફ સાયન્સ ૩૬૫૯
ઈંગ્લિશ ૩૦૩૮