Vadodara Accident Update : વડોદરામાં હોળીની રાત્રે પોશ કારેલીબાગ વિસ્તારમાં એક કારે ત્રણ ટુ-વ્હીલર અને રાહદારીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું અને સાત અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જનાર આરોપી રક્ષિત ચોરસિયાને એક દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
આરોપી રક્ષિત ચોરસિયાને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો હતો, જ્યાં તે લંગડાતો જોવા મળ્યો, તે બન્ને પગે ચાલી પણ શકતો ન હતો. રક્ષિત ઘટના સ્થળ પર લોકોની વચ્ચે માફી માગતો પણ જોવા મળ્યો હતો.
વડોદરા કાર અકસ્માતની ઘટના અંગે વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમારે જણાવ્યું કે પોલીસ અને FSL એ ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે. CCTV ફૂટેજ લેવામાં આવ્યા છે. ડ્રાઇવર રક્ષિત ચૌરસિયા LLBનો વિદ્યાર્થી છે, તેની સાથે કારમાં એક અન્ય વ્યક્તિ પ્રાંશુ ચૌહાણ હતો. ઘટના સમયે નશાની તપાસ માટે તેમના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. અકસ્માતમાં કુલ 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને એક મહિલાનું મોત થયું છે.
આરોપી મિત્રના ઘરેથી પરત ફરી રહ્યો હતો
આ અકસ્માત બાદ પોલીસે આરોપી રક્ષિત ચૌરસિયાની ધરપકડ કરી હતી. જે બાદ તેનું નિવેદન બહાર આવ્યું હતું. રક્ષિતે કહ્યું હતું કે તે તેના મિત્રના ઘરેથી કાર દ્વારા પરત ફરી રહ્યો હતો. ગાડી ચલાવતી વખતે કારની એરબેગ ખુલી ગઈ, જેના કારણે તે આગળ કંઈ જોઈ શક્યો નહીં અને અકસ્માત થયો. તેણે કહ્યું કે તે નશામાં ન હતો અને સ્કૂટર રસ્તાની વચ્ચે આવી જવાથી અકસ્માત થયો. તે આ અકસ્માતનું કારણ ઓટોમેટિક કારને પણ માને છે. ત્યાં જ તેણે ભાંગનો નશા કર્યાની વાત કબૂલ કરી હતી.
શું હતી ઘટના
હોળીની રાત્રે કારેલીબાગ આમ્રપાલી વિસ્તારમાં પૂર ઝડપે કાર ચલાવતા રક્ષિત ચોરસિયાએ ત્રણ ટુ વ્હીલરને અડફેટ લીધા હતા. જેમાં આઠ વ્યક્તિઓને ઈજા થઈ હતી અને હેમાલી પટેલ નામની યુવતીનું મોત નિપજ્યું હતું. આ મહિલાના પતિ પુરવ પટેલને પણ સયાજી હોસ્પિટલમાં જ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જેમની હાલત પણ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.